તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અમદાવાદના જમાલપુર ફાયર સ્ટેશનની પાછળ આવેલી જૂની 'જેપી બિલ્ડિંગ'ની જર્જરીત ગેલેરી અચાનક ધરાશાયી
ગેલેરી તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં જોરદાર અવાજ સાથે અફરાતફરી મચી ગઈ

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક જર્જરીત મકાનનો ભાગ તૂટી પડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમાલપુર ફાયર સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી 'જેપી બિલ્ડિંગ' નામની જૂની ઇમારતની એક ગેલેરી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ગેલેરી તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં જોરદાર અવાજ સાથે અફરાતફરી મચી ગઈ હતી.
આ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ જ્યારે નીચે પડ્યો ત્યારે સદનસીબે તેની નીચે અથવા ગેલેરીમાં કોઈ વ્યક્તિ હાજર ન હતું. આ આકાશી આફત જેવી ઘટનામાં હાલ કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી, જેને પગલે સ્થાનિક રહીશો અને તંત્રએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. જોકે, અકસ્માતને પગલે કાટમાળ રસ્તા પર ફેલાઈ ગયો હતો.
આ ઘટના ફાયર સ્ટેશનની બિલકુલ પાછળ જ બની હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમ મિનીટોમાં જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ધોરણે બિલ્ડિંગના અન્ય જોખમી ભાગોને સુરક્ષિત કરવા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ચોમાસા પહેલાં આવી જર્જરીત ઇમારતો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
