<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

લોહીના સંબંધોમાં ડિજિટલ ઝેરઃ નાની બહેનના લગ્ન તોડાવવા લેસ્‍બિયન મોટી બહેને ખેલ ખેલ્‍યો

સગી બહેનના અંગત ફોટા વાયરલ કરી લગ્ન તોડાવવા મોટી બહેને કાવતરું રચ્‍યું : પોતે લેસ્‍બિયન હોવાથી નાની બહેન પ્રત્‍યે આકર્ષણ હતું, અભયમ સામે કબૂલાત

અમદાવાદ તા.૭: લોહીના સંબંધોમાં ડિજિટલ ઝેર સમાન એક કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં શહેરના પોશ વિસ્‍તારમાં રહેતા પરિવારમાં જ્‍યારે ૨૨ વર્ષીય નાની દીકરીના લગ્ન લેવાયા, ત્‍યારે આખું ઘર ખુશીમાં હતું. પરંતુ આ ખુશીની આડમાં મોટી બહેનના મનમાં ઈર્ષ્‍યા અને વિકૃતિના વંટોળ ફૂંકાઈ રહ્યા હતા. ૩૪ વર્ષીય મોટી બહેને પોતાની જ સગી બહેનના લગ્ન અટકાવવા માટે જે કાવતરું રચ્‍યું તે જાણીને સાયબર ક્રાઈમના નિષ્‍ણાતો પણ ચોંકી ગયા છે. જેમાં મોટી બહેન લેસ્‍બિયન હોવાથી તેને  નાની બહેન પ્રત્‍યે આકર્ષણ હતું તેથી નાની બહેનના લગ્ન તોડાવવા માટે તેના અંગત ફોટા વાયરલ કર્યાં હતા અને પિતા પાસે એક લાખની ખંડણી માગી હતી. જો કે, અભયમની મદદથી આખોય મામલો થાળે પડયો છે.

પોશ વિસ્‍તારમાં રહેતી નાની બહેન લગ્નની તૈયારીઓમાં વ્‍યસ્‍ત હતી, ત્‍યારે મોટી બહેન સતત રૂમમાં પુરાઈ રહી મોબાઈલનો ઉપયોગ કરતી અને ઘરકામમાં કોઈજ મદદ કરતી ન હતી. તેણે પોતાની સગી બહેનની જાણ બહાર તેના અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. લગ્ન તોડાવવાના ઈરાદે તેણે આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનું શરૂ કર્યું અને પિતા પાસે ૧ લાખ રૂપિયાની ખંડણી માંગી ધમકી આપી કે જો પૈસા નહીં મળે તો તે તમામ ડેટા જાહેર કરી દેશે. જ્‍યારે ત્રાસ સહન કરવાની હદ આવી ગઈ, ત્‍યારે નાની બહેને રડતી આંખે અભયમ હેલ્‍પલાઈનની મદદ માંગી, અભયમની ટીમ જ્‍યારે ઘટનાસ્‍થળે પહોંચી ત્‍યારે પરિસ્‍થિતિ અત્‍યંત તણાવપૂર્ણ હતી. શરૂઆતમાં મોટી બહેન કશું જ બોલવા તૈયાર નહોતી, પરંતુ જ્‍યારે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી તેનું કાઉન્‍સેલિગ કરવામાં આવ્‍યું ત્‍યારે તેણે જે ખુલાસો કર્યો તેનાથી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તેણે કબૂલાત કરી કે તે લેસ્‍બિયન (સમલૈગિક) છે અને તેને પોતાની જ સગી નાની બહેન પ્રત્‍યે શારીરિક અને માનસિક આકર્ષણ છે. તે ઈચ્‍છતી ન હતી કે તેની બહેન કોઈ બીજા સાથે પરણે અને તેનાથી દૂર જાય. આ વિકૃત આકર્ષણને કારણે જ તેણે બહેનના લગ્ન તોડાવવા માટે ફોટા વાયરલ કરવાનું અને ખંડણી માંગવાનું નીચું પગલું ભર્યું હતું. આ ખુલાસાએ લોહીના સંબંધો પર અનેક સવાલો ઊભા કરી દીધા છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી કે આ યુવતીની વિકૃતિ માત્ર તેની બહેન પૂરતી સીમિત નહોતી. તે આસપાસ રહેતી અન્‍ય મહિલાઓના પણ ચોરીછૂપીથી વીડિયો બનાવતી હતી. એકતરફ તેના વૃદ્ધ પિતા રસોઈ બનાવીને ઘર ચલાવતા હતા, ત્‍યારે બીજી તરફ રૂમમાં પુરાઈ રહીને આ યુવતી પાડોશની મહિલાઓના ખાનગી વોડિયો મેળવીને વિકૃત આનંદ મેળવતી હતી. તે આ મહિલાઓને પણ માનસિક રીતે ટોર્ચર કરતી હોવાનું સામે આવ્‍યું છે.

અભયમની ટીમે આ યુવતીને આઈટી એક્‍ટ (IT Act)ની ગંભીર કલમો વિશે માહિતગાર કરી હતી. તેણે પોતાની ભૂલસ્‍વીકારી મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કર્યો હતો અને ભવિષ્‍યમાં આવું ન કરવાની લેખિત બાંહેધરી આપી હતી.

પાડોશી મહિલાઓ માટે પણ ડિજિટલ આતંક બની હતી યુવતી

આ યુવતી માત્ર પોતાની સગી બહેન જ નહીં, પરંતુ આસપાસ રહેતી મહિલાઓ માટે પણ મુસીબત બની હતી. તપાસમાં બહાર આવ્‍યું છે કે તે પાડોશમાં રહેતી ષીઓના પણ ચોરીછૂપીથી વીડિયો ઉતારતી અને તેમને બતાવી માનસિક ટોર્ચર કરતી હતી. એક તરફ વૃદ્ધ પિતા ઘરનું રસોઈકામ કરતા, ત્‍યારે બીજી તરફ દીકરી રૂમમાં પુરાઈ રહીને પાડોશણના ખાનગી વીડિયો જોઈ વિકૃત આનંદ મેળવતી હતી. તેની આ હરકતોથી આસપાસની મહિલાઓ ફફડાટ અને માનસિક તણાવ અનુભવતી હતી. આખરે અભયમની ટીમે તેના આ ડિજિટલ આતંકનો અંત આણ્‍યો છે.

(10:28 AM IST)