તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
શું તમને ખબર છે કે તમારું મગજ ભવિષ્ય જોઈ શકે છે?
અનુમાન, અનુમાનની ભૂલ અને પૂર્વગ્રહ - આપણા મગજનું અદ્ભૂત વિજ્ઞાન

કલ્પના કરો તમે સવારે ઘરની બહાર નીકળો છો. આકાશમાં વાદળો છે. તમે છત્રી લઈ લો છો. કોઈ વ્યક્તિ તમારી સામે સ્મિત કરે છે. તમે તરત જ માની લો છો કે તે મૈત્રીપૂર્ણ હશે. તમારો મોબાઇલ અચાનક વાગે છે. તમે ફોન ઉપાડો તે પહેલાં જ તમારા મનમાં વિચાર આવી જાય છે - કદાચ અમુક વ્યક્તિનો ફોન હશે ? એક અંધારા રસ્તા પર ચાલતા ચાલતા પાછળથી પગલાંનો અવાજ આવે છે, તમારું હૃદય થોડું ઝડપથી ધબકવા લાગે છે. આ બધામાં એક વાત સામાન્ય છે. આપણે કંઈ બન્યા પછી નહીં, પરંતુ કંઈ બને તે પહેલાં જ અનુમાન કરી લીધું! આધુનિક ન્યુરોસાયન્સ કહે છે કે આપણું મગજ માત્ર વિચારતું કે યાદ રાખતું અંગ નથી, આપણું મગજ એક અદ્્ભૂત અનુમાન યંત્ર (Prediction Machine) છે. તે દિવસ-રાત, આરામ દરમિયાન પણ, સતત એક જ પ્રશ્ન પૂછે છે ‘‘હવે આગળ શું થવાનું છે?''
મગજ અનુમાન કેમ કરે છે?
જો મગજ દરેક ઘટના બનવાની રાહ જુએ, તો આપણે ઘણી વાર મોડા પડી જઈએ. તેથી મગજ સતત ભવિષ્યનો અંદાજ લગાવે છે. આ કારણે આપણે ઝડપથી નિર્ણય લઈ શકીએ છીએ, જોખમથી બચી શકીએ છીએ, નવી વસ્તુઓ શીખી શકીએ છીએ. ઓછા પ્રયત્ને જીવન જીવી શકીએ છીએ, સરળ શબ્દોમાં કહીએ તો મગજ પહેલાં અનુમાન કરે છે, પછી દુનિયાને તેની સાથે સરખાવે છે.
અનુમાન (Prediction) શું છે?
અનુમાન એટલે આગળ શું બનવાની સૌથી વધુ શકયતા છે? તેનો મગજ દ્વારા કરવામાં આવતો અંદાજ. આ અંદાજ નીચેની બાબતો પર આધારિત હોય છેઃ અગાઉના અનુભવો યાદશક્તિ વર્તમાન પરિસ્થિતિ લાગણીઓ શરીરમાંથી મળતા સંકેતો આપણાં લક્ષ્યો. આપણને ખબર પણ ન પડે એટલી ઝડપથી મગજ દર સેકન્ડે હજારો અનુમાન કરતું રહે છે.
મગજની સૌથી મોટી શિક્ષિકા -
અનુમાનની ભૂલ (Prediction Error)
ધારો કે તમને ખાતરી છે કે મિત્ર તમારું કામ ખરાબ કહેશે. પરંતુ તે કહે, ખૂબ સરસ કામ કર્યું! એક જ ક્ષણે તમારું મગજ ચોંકી જાય છે. આને કહેવાય અનુમાનની ભુલ (Prediction Error). અર્થાત જેની અપેક્ષા હતી અને જે ખરેખર બન્યું તેના વચ્ચેનો તફાવત. આ ભૂલ ખરાબ નથી, હકીકતમાં મગજની સૌથી મોટી શિક્ષિકા આ જ ભૂલ છે. દરેક ભૂલ પછી મગજ પોતાની સમજ થોડું સુધારે છે. આ રીતે જ આપણે જીવનભર શીખતા રહીએ છીએ. જો અનુમાનની ભૂલો જ ન થાય, તો નવી શીખવાની પ્રક્રિયા લગભગ બંધ થઈ જાય.
પૂર્વગ્રહ (Bias) શું છે?
હવે એક રસપ્રદ પ્રશ્ન શું મગજ દરેક વખતે સંપૂર્ણ નિષ્પક્ષ અનુમાન કરે છે? જવાબ છે ના. આપણાં બધા અનુમાન પર અસર કરે છે ભૂતકાળના અનુભવો, માન્યતાઓ, સફળતા કે નિષ્ફળતા, ખુશી, સંસ્કળતિ, શારીરિક સ્વાસ્થ્ય. આ અસરને પૂર્વગ્રહ (Bias) કહેવામાં આવે છે. પૂર્વગ્રહ હંમેશા ખરાબ નથી. હકીકતમાં તે આપણને ઝડપથી નિર્ણય લેવામાં મદદ કરે છે, પરંતુ કયારેક એ જ પૂર્વગ્રહ આપણને ખોટી દિશામાં પણ લઈ જઈ શકે છે.
આપણે ઘણી વાર ભૂલ કેમ કરીએ છીએ ?
કલ્પના કરો કે કોઈ વ્યક્તિને એક વખત કૂતરૂ કરડ્યું હતું હવે તે દરેક કૂતરાને જોખમી માને છે, બીજી વ્યક્તિને ઘણા વર્ષોથી દરેક કૂતરાનો સારો અનુભવ થયો છે. તે લગભગ દરેક કૂતરાને મિત્ર સમજે છે બંનેનું મગજ અનુમાન કરી રહ્યું છે. પરંતુ બંનેના પૂર્વગ્રહ અલગ છે.
સાયકિએટ્રિક રોગોમાં શું થાય છે?
આધુનિક ન્યુરોસાયન્સ અનુસાર ઘણા સાયકિએટ્રિક રોગોમાં મગજની અનુમાન કરવાની પ્રક્રિયામાં ફેરફાર આવે છે. ઉદાહરણ તરીકે ચિંતાના રોગોમાં મગજ વારંવાર જોખમનું અનુમાન કરે છે, ડિપ્રેશનમાં મગજ આનંદ કરતાં નિષ્ફળતાની અપેક્ષા વધુ રાખે છે, ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડરમાં મગજને વારંવાર લાગે છે કે ૅહજુ બધું બરાબર થયું નથી, વ્યસનમાં મગજ પુરસ્કારનું મૂલ્ય વાસ્તવિકતા કરતાં વધુ માને છે, ઘણા સાયકિએટ્રિક રોગોને મગજની અનુમાન પ્રણાલીમાં આવેલા ફેરફાર તરીકે પણ સમજી શકાય છે.
મુખ્ય સંદેશ
આપણું મગજ સતત ભવિષ્ય વિશે અનુમાન કરતું રહે છે. અનુમાન આપણને ઝડપથી નિર્ણય લેવામાં મદદ કરે છે. અનુમાનની ભૂલો આપણને નવી બાબતો શીખવે છે. પૂર્વગ્રહો નિર્ણયને ઝડપી બનાવે છે, પરંતુ કયારેક ભૂલો પણ કરાવે છે. ઘણા સાયકિએટ્રિક રોગોમાં અનુમાન, અનુમાનની ભૂલો અને પૂર્વગ્રહોમાં અસંતુલન જોવા મળે છે.
એક સરળ સૂત્ર
ભવિષ્યનું અનુમાન = અગાઉના અનુભવો + વર્તમાન માહિતી + મગજની જૈવિક રચના + અનુમાનની ભૂલો + પૂર્વગ્રહો
અંતમાં એક વિચાર...
આપણે ઘણી વાર કહીએ છીએ ‘‘મને એવું લાગ્યું હતું...'' અથવા ‘‘મેં તો પહેલેથી જ અંદાજ લગાવ્યો હતો...'' હકીકતમાં, આ માત્ર અંદાજ નથી, આ તમારા મગજની અદ્્ભૂત ક્ષમતા છે. તે દરેક ક્ષણે ભવિષ્યનું અનુમાન કરે છે, વાસ્તવિકતા સાથે તેની સરખામણી કરે છે, પોતાની ભૂલોમાંથી શીખે છે અને પોતાને સતત વધુ બુદ્ધિશાળી બનાવવાનો પ્રયત્ન કરે છે. કદાચ આ જ કારણ છે કે માનવ મગજને કુદરતની સૌથી અદ્્ભૂત રચનાઓમાંની એક માનવામાં આવે છે. (૯.ર૩)
પ્રો. ડો. પ્રકાશ મહેતા
એમ. ડી. (સાયકિએટ્રી)
પ્રોફેસર ઓફ સાયકીએટ્રી અનન્ય મેડિકલ કોલેજ, કલોલ.
વિઝિટિંગ સાયકિએટ્રિસ્ટ મેરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ.
Email: [email protected]

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
