<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે રાજીનામુ આપ્યું : રૂપિયાની માંગણી કરતો કથિત વીડિયો થયો હતો વાયરલ

એક માસ અગાઉ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો: કાર્યકાળના શરૂઆતના દિવસોમાં જ તેઓ વિવાદોમાં સપડાઈ ગયા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે પોતાના પદ પરથી અચાનક રાજીનામું ધરી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. પ્રભુજી રાજપૂતે તાજેતરમાં જ એક માસ અગાઉ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ કાર્યકાળના શરૂઆતના દિવસોમાં જ તેઓ વિવાદોમાં સપડાઈ ગયા હતા.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પ્રમુખ પ્રભુજી રાજપૂત એક કોન્ટ્રાક્ટર પાસેથી તળાવના ખોદકામ માટે લાંચના રૂપિયાની માંગણી કરતા હોવાનું સંભળાયું હતું. આ વીડિયો વાયરલ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં પ્રમુખની કથિત ભૂમિકાને કારણે પક્ષની છબી ખરડાઈ હતી અને તેમની ચારે બાજુથી ટીકાઓ થઈ રહી હતી.

વીડિયો વાયરલ થવાથી થયેલી બદનામીના દબાણ હેઠળ આખરે પ્રભુજી રાજપૂતે નૈતિક જવાબદારી સ્વીકારી અથવા પક્ષના આદેશ મુજબ, પોતાનું રાજીનામું ધાનેરા તાલુકા વિકાસ અધિકારી (TDO) ને સોંપી દીધું છે. એક મહિનામાં જ આટલી મોટી ઘટના બનતા ધાનેરા તાલુકા પંચાયતમાં વહીવટી અને રાજકીય કામગીરી પર અસર પડી છે. હવે પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર કોની નિયુક્તિ થશે, તે જોવું રસપ્રદ રહેશે.

(12:57 AM IST)