News of Thursday, 4th June 2026
ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક-કાર વચ્ચે અકસ્માત: પોરબંદરના યુવાન શિક્ષકનું ઘટના સ્થળે જ મોત
મૃતકના પત્ની અને ચાર વર્ષના માસુમ પુત્ર સહીત પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ : પોરબંદરથી લિમખેડા ખાતે ફરજ પર પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો

અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર કિશાન જીન પાસે 4 જૂનના રોજ એક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પોરબંદરના 35 વર્ષીય શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મૃતકની પત્ની અને 4 વર્ષના પુત્ર સહિત પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, શાળાનું વેકેશન પૂર્ણ થતાં આ પરિવાર પોરબંદરથી લિમખેડા ખાતે પોતાની ફરજ પર પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કારમાં સવાર મોહનભાઈ પરબતભાઈ વાસણ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય ત્રણ સભ્યો - લક્ષ્મીબેન મોહનભાઈ વાસણ, જસ્મીન મોહનભાઈ વાસણ અને ચિરાગભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલક અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
