<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

અમદાવાદમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ મલ્ટિમીડિયા પ્રદર્શન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની વિકાસયાત્રા ઝાંખીની મુલાકાત લીધી

​ ​પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતે તા. ૫ ઑક્ટોબર સુધી સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન નાગરિકો માટે પ્રદર્શન ખુલ્લું રહેશે ​મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદર્શન નિહાળી મુલાકાતીઓ સાથે સહજ સંવાદ કર્યો; રાજ્ય સરકાર તમામ નાગરિકોના વિકાસ માટે કટિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો ​

​અમદાવાદ: અમદાવાદના પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સાધના અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વડાપ્રધાનશ્રીની ગુજરાતથી શરૂ થયેલી ૨૫ વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાની ઝાંખી વિવિધ પેનલ્સ, પોસ્ટર્સ અને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે.

​પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂ કરાયેલી વિકાસલક્ષી કામગીરીની ઝીણવટપૂર્વક માહિતી મેળવીને સમગ્ર આયોજનની સરાહના કરી હતી. આ પ્રસંગે તેમણે પ્રદર્શન નિહાળવા આવેલા નાગરિકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિવિધ લોકલક્ષી યોજનાઓના માધ્યમથી રાજ્યના તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
​આ પ્રદર્શનમાં ગુજરાતના કૃષિ-પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલી અભૂતપૂર્વ કામગીરી પ્રદર્શિત કરાઈ છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, જ્યોતિગ્રામ યોજના, ઈ-મમતા, મિશન મંગલમ, જ્ઞાનશક્તિ, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, પશુ આરોગ્ય મેળા અને સમરસ છાત્રાલય જેવી અનેક ક્રાંતિકારી પહેલોની માહિતી પણ આબેહૂબ રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે વડાપ્રધાનશ્રીની ૨૫ વર્ષની વિકાસયાત્રા આધારિત એક ખાસ ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

​પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતેનું આ પ્રદર્શન તા. ૫ ઑક્ટોબર સુધી સવારે ૮:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ મુલાકાત પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત પ્રાદેશિક માહિતી કચેરી અને અમ્યુકોના ઉચ્ચ અધિકારીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:38 PM IST)