News of Friday, 24th July 2026
વલસાડ જિલ્લામાં પૂર બાદ જનજીવન થાળે પાડવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું કડક વલણ : યુદ્ધના ધોરણે સફાઈ, રસ્તા અને વીજ પુરવઠો પૂર્વવત કરવા વહીવટી તંત્રને આપ્યા આદેશ
આજે સાંજથી કેશડોલ સહાયનો સર્વે શરૂ કરવા, વાપી મહાનગરપાલિકા સહિતની પાલિકાઓને વધારાનો સ્ટાફ ફાળવવા અને વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમો વધારી નુકસાનીના ક્લેઈમ જલ્દી મંજૂર કરવા તાકીદ

વલસાડ: વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ બાદ જનજીવન ઝડપથી થાળે પડે અને પ્રજાજનોને હાલાકી ભોગવવી ન પડે તે હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શુક્રવારે સવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ રાહત, બચાવ, સફાઈ અને માળખાકીય સુવિધાઓ પૂર્વવત કરવાની કામગીરી સમીક્ષા કરતાં નાયબ મુખ્યમંત્રીએ તમામ ક્ષેત્રે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા.
રેસ્ક્યુ કામગીરી મળસ્કે ૫:૩૦ વાગ્યા સુધી ચાલી, હવે સફાઈ અને રસ્તા રિપેરિંગ પર ભાર:
બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી શુક્રવારે મળસ્કે ૫:૩૦ વાગ્યા સુધી સતત ચાલી હતી. હવે પાણી ઓસર્યા બાદ વહીવટી તંત્રનું મુખ્ય ધ્યાન સફાઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર માટેના રસ્તા રિપેર કરવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ તેમજ ભોંયતળિયે ભરાયેલા પાણીના નિકાલ અને પાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા વધારાના સ્ટાફની ફાળવણી કરવાના નિર્દેશ અપાયા છે. ગંદકી, સડેલું અનાજ અને કચરાના ત્વરિત નિકાલ માટે દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં એક જેસીબી અને ત્રણ ટ્રક સાથે ટીમો બનાવી કામગીરી કરવા વાપી મહાનગરપાલિકા કમિશનર અને વલસાડ સહિતની પાલિકાઓના ચીફ ઓફિસરોને આદેશ કરાયા છે.
કેશડોલ સર્વે, વીજ પુરવઠો અને વીમા ક્લેઈમ મંજૂરી અંગે કડક આદેશો:
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતાં તૂટી પડેલા વીજ તાર, વીજ પોલ ઉભા કરવા તથા પાણીમાં ડૂબેલા ટ્રાન્સફોર્મરનું રિપેરિંગ કરી વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા વીજ કંપનીઓને સૂચના અપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૂટેલા રસ્તાઓનું સર્વે કરી તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. પાણી ઓસરતાં જ કેશડોલની સહાય માટે આજે સાંજથી સર્વે ચાલુ કરી દેવાશે અને સર્વે પૂર્ણ થતાં જ સહાય ચુકવવામાં આવશે. આ સાથે જ પૂરના કારણે થયેલા નુકસાનના ક્લેઈમ વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીઓને પણ માનવતાના ધોરણે ટીમો વધારીને ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. પૂરની સ્થિતિમાં કલેક્ટર નીતિન સાંગવાનના નેતૃત્વમાં થયેલી સફળ કામગીરી બદલ નાયબ મુખ્યમંત્રીએ ટીમ વલસાડ અને રાતભર લોકસેવામાં રહેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બિરદાવ્યા હતા.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા અરવિંદભાઈ પટેલ, જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહન, વરિષ્ઠ સનદી અધિકારી આલોક પાંડે, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
