તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રૂટનું કર્યું પ્રત્યક્ષ નિરીક્ષણ : ૩૦,૦૦૦થી વધુ જવાનોની લોખંડી સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા
૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રૂટ પર ૩ રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે : એઆઈ ફેસ રેકગ્નિશન કેમેરા, ૩ડી મેપિંગ અને ૧૦૦થી વધુ ડ્રોન સાથે સ્માર્ટ પોલીસિંગ સજ્જ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા સુદ્રઢ આયોજનના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કાફલામાં જોડાઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સંવેદનશીલ પોઇન્ટ્સ તેમજ ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે ગ્રાઉન્ડ ઝીરો પર સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભાજીત, અર્ધલશ્કરી દળો તૈનાત:
રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૧૬.૨ કિલોમીટરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરશે. આ ભવ્ય યાત્રામાં ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક, ૩૦ અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે. રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને ૨૬ રેન્જ, ૫૩ એરિયા અને ૧,૩૯૭ પોઈન્ટ્સમાં વહેંચી દેવાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં ૧૦ આઇજી/ડીઆઇજી, ૪૨ ડીસીપી, ૮૮ એસીપી અધિકારીઓ સહિત ૩૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો, ૧૫ એસઆરપીએફ અને ૯ સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 3D મેપિંગથી થશે ફૂલપ્રૂફ મોનિટરિંગ:
આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી તથા 3D મેપિંગ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. આકાશમાંથી મોનિટરિંગ માટે ૧૦૦થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ રાખવામાં આવશે. આ ઉપરાંત ગજરાજ પર GPS, સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. શંકાસ્પદ તત્વો અને ગુનેગારો પર નજર રાખવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ અને એન્ટી-ડ્રોન ગન સહિતની હાઈટેક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
કોમી ભાઈચારાનું વાતાવરણ અને નાગરિકોને ભયજનક ઇમારતો ટાળવા અપીલ:
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું કે, પોલીસે છેલ્લા એક મહિનાથી તમામ સમાજના અગ્રણીઓ સાથે બેઠકો અને સામાજિક પ્રવૃત્તિઓ યોજીને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે. રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને તેમના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમણે શહેરીજનોને અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી વગર શિસ્તબદ્ધ રીતે દર્શન કરવા અને રૂટ પર આવેલી કોઈ પણ ભયજનક કે જર્જરિત ઇમારતો પર ચઢવાનું ટાળવું.
આ નિરીક્ષણ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તની સમીક્ષામાં સાથે જોડાયા હતા.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
