તા. ૨૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વ નિમિત્તે ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા નિર્મિત દીવડાઓની ખરીદી કરી દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરી
મનોદિવ્યાંગ દર્દીઓની સર્જનાત્મકતાથી બનેલા આ દીવા ખુશીઓ અને આત્મનિર્ભરતાનું પ્રતિક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:નાયબ મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમની આ કુશળતાને બિરદાવી

ગાંધીનગર :દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલ અમદાવાદના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા પોતાની ખાસ કલા અને મહેનતથી તૈયાર કરવામાં આવેલા સુંદર દીવડાઓની ખરીદી કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ તેમની સાથે દીવા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી પણ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તમારી કલા અને સર્જનાત્મકતા ખરેખર પ્રશંસનીય છે. તમે સૌએ હોસ્પિટલમાં રહીને જે પ્રેમ અને મહેનતથી આ દીવાઓ તૈયાર કર્યા છે, તે માત્ર માટીના દીવા નથી પરંતુ તેમની ખુશીઓ અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.
નાયબ મુખ્યમંત્રીએ દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમની આ કુશળતાને બિરદાવી હતી. હોસ્પિટલના દર્દીઓ પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા પોતાના દ્વારા બનાવાયેલા દીવાઓ સ્વીકારવામાં આવતા આનંદિત અને ઉત્સાહિત નજરે પડ્યા હતા.
આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, મેન્ટલ હોસ્પિટલના RMO દિપ્તીબેન ભટ્ટ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિડેન્ટ વિભાબેન સવાલિયા, અન્ય તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
