<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

જાપાન અને દ.કોરિયાના પ્રવાસથી પરત ફર્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : કહ્યું-મોટી સંખ્યામાં રોકાણકારો ગુજરાતમાં આવશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઇ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા:રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને વૈશ્વિક ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પ્રવાસ દરમિયાન તેમણે વિદેશી રોકાણકારો, ઔદ્યોગિક આગેવાનો અને અગ્રણી સંસ્થાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી

અમદાવાદ :આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઇ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા છે. રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને વૈશ્વિક ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલો આ વિદેશ પ્રવાસ અત્યંત સફળ રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેમણે વિદેશી રોકાણકારો, ઔદ્યોગિક આગેવાનો અને અગ્રણી સંસ્થાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી, જેથી રાજ્યમાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકો ઉભી કરી શકાય. 

 જાપાન-દ.કોરિયાના 5થી 6 દિવસના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જાપાનના ઓસાકા, કોબે અને ટોક્યો તેમજ દક્ષિણ કોરિયાના દેગુ અને સિઓલ જેવા મુખ્ય ઔદ્યોગિક શહેરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ અને ટેક્સટાઈલ જેવા ભવિષ્યના વિકાસ માટેના મહત્વના ક્ષેત્રો પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રવાસમાં તેમની સાથે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, DGVCLના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વિજયન, નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર અને સંયુક્ત કમિશનર કનક ડેર સહિતનું ઉચ્ચસ્તરીય અધિકારી પ્રતિનિધિમંડળ સાથે રહ્યા હતા.

વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ રીતે મજબૂત બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના ગતિશીલ માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદેશી રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની રહ્યું છે. પ્રવાસ દરમિયાન વિદેશી ઉદ્યોગ જગત, લો ફર્મ્સ અને વૈશ્વિક કન્સલ્ટન્ટ્સ તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેનાથી આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં જાપાન અને દક્ષિણ કોરિયાના રોકાણકારો મોટી સંખ્યામાં ભાગ લેશે અને રાજ્યમાં મોટું રોકાણ લાવવામાં સફળતા મળશે.

(11:37 PM IST)