<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજ્યો જનસંપર્ક કાર્યક્રમ : નાગરિકોની રજૂઆતો સાંભળી સ્થળ પર જ નિકાલ કરવા અધિકારીઓને તાકીદ

પ્રશ્નોનો ઝડપી અને હકારાત્મક ઉકેલ આવતાં ખુશહાલ અરજદારોએ નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો : પ્રશાસનને વધુ જવાબદેહ બનાવવા અને પારદર્શિતા લાવવા માટે વિશેષ આયોજન કરાયું

સુરત:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજીને સુરત શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. પ્રશાસનને વધુ જવાબદેહી બનાવવા, સરકાર અને તંત્રને લોકોની વધુ નજીક લાવવા તેમજ સામાન્ય જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ પોતાના પ્રશ્નો અને રજૂઆતોનો હકારાત્મક ઉકેલ મેળવનાર અરજદારોએ નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

જનસંપર્ક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ એક પછી એક નાગરિકો અને અરજદારોને મળીને તેમની વ્યક્તિગત મુશ્કેલીઓ, સ્થાનિક પ્રશાસનને લગતા પ્રશ્નો તેમજ વિવિધ વિકાસલક્ષી રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે હેતુથી તેમણે ઉપસ્થિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક સૂચનાઓ આપી સત્વરે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

સરકારની પ્રજાલક્ષી અને પારદર્શક કામગીરીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતવાસીઓએ પોતાના પ્રશ્નો મુક્તપણે રજૂ કર્યા હતા અને સરકારના સકારાત્મક અભિગમ બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ જનલક્ષી અભિગમથી નાગરિકોમાં સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.

(4:55 PM IST)