News of Tuesday, 12th May 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઘુંસિયા ગીર ખાતે ભાજપ મહામંત્રી ભરત વાળાના નિવાસે આત્મીય મુલાકાત
સોમનાથ અમૃત મહોત્સવની વ્યસ્તતા વચ્ચે યુવા મોરચાના જૂના સાથીદારો મળ્યા, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ લીધી શુભેચ્છા મુલાકાત

(દિપક તન્ના દ્વારા)તાલાલા, તા.૧૨ : સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અમૃત મહોત્સવ કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાલાલા ગીર નજીકના ઘુંસિયા ગીર ગામે જિલ્લા ભાજપ મહામંત્રી ભરત વાળાના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી.
આ મુલાકાત માત્ર રાજકીય ઔપચારિકતા પૂરતી ન રહી, પરંતુ યુવા મોરચાના બે જૂના સાથીદારો વચ્ચેનું આત્મીય સ્નેહમિલન પણ બની રહી હતી. હર્ષ સંઘવી અને ભરત વાળાએ યુવા ભાજપમાં સાથે મળીને કરેલા સંગઠનાત્મક કાર્યકાળની યાદોને તાજી કરી હતી. વર્ષો જૂની મિત્રતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાભર્યા સંસ્મરણોને બંનેએ આ મુલાકાત દરમિયાન વાગોળ્યા હતા.
જિલ્લા ભાજપ મહામંત્રી ભરત વાળા, તેમના ધર્મપત્ની પાનીબેન વાળા, પરિવારજનો તેમજ ગામના વિવિધ સમાજોના આગેવાનોએ ગૃહમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પુષ્પોથી અભિવાદન કરી સૌએ તેમની આગવી રીતે આવકાર વ્યક્ત કર્યો હતો. સંગઠનના જૂના કાર્યકર્તા અને મિત્ર તરીકેના સંબંધોને માન આપી હર્ષ સંઘવીએ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ ખાસ સમય ફાળવી આ મુલાકાત લીધી હતી.
સોમનાથ અમૃત મહોત્સવને કારણે છેલ્લા બે દિવસથી તાલાલા અને ગીર પંથકમાં વીવીઆઈપી મહાનુભાવોની અવરજવર સતત વધી રહી છે. સાસણ સ્થિત સિંહ સદન ગેસ્ટ હાઉસ તેમજ ગીર વિસ્તારના મુખ્ય રિસોર્ટોમાં પણ મહાનુભાવોની અવરજવર જોવા મળી રહી છે.
આ ઉપરાંત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ જિલ્લા ભાજપ મહામંત્રી ભરત વાળાના નિવાસે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ સંગઠનના સાથીદારોના આમંત્રણને માન આપી મંત્રીમંડળના અગ્રણીઓએ વ્યક્તિગત હાજરી નોંધાવી હતી.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
