News of Friday, 18th September 2026
મહેમદાવાદમાં મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રેરક સંવાદ
ગાંધીનગરથી બાઈક ચલાવી સેવા યાત્રીઓ સાથે કાર્યક્રમમાં જોડાયા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી: પીએમ આવાસ, ઇજ્જત ઘર, કિસાન સન્માન નિધિ અને જળ-વીજળી માટેની યોજનાઓ થકી દેશમાં આવેલા પરિવર્તન અંગે સંવાદ કરાયો:ગામડાંને વધુ સ્વચ્છ અને આદર્શ બનાવવા નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનોને આહ્વાન કર્યું: ગોબરમાંથી દીવા બનાવવા માટે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા ગૃહ ઉદ્યોગનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું

ગાંધીનગર : સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા ખાતે મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કમિટી મેમ્બરો તથા સ્થાનિક ગ્રામજનો સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી ગાંધીનગરથી યુવા કાર્યકરો સાથે મોટરસાયકલ ચલાવીને સેવા યાત્રાના સહભાગી બની સ્થળ પર પહોંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓ અને ખેડૂતોને સંબોધતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ સેવા યાત્રાનો મુખ્ય હેતુ ગામેગામ જઈને વડીલોના આશીર્વાદ મેળવવો, સ્વચ્છતાના કામો કરવા, ગૌસેવા તથા વૃદ્ધાશ્રમોમાં સેવા આપવાનો છે. આ યાત્રા અંતર્ગત યુવાનો ૨૨૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપીને કાશી સુધી સેવા સંદેશ પહોંચાડવાના છે.
નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી સેવાકીય યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને પીએમ આવાસ યોજના અંતર્ગત મળેલા પાકાં મકાનો, બહેનોના આત્મસન્માનનું રક્ષણ કરતા ‘ઇજ્જત ઘર’ (ઘરે ઘરે શૌચાલય), તેમજ ખેડૂતોના ખાતામાં સીધા જમા થતા 'કિસાન સન્માન નિધિ'ના વાર્ષિક ₹૬,૦૦૦ જેવા નિર્ણયોએ સામાન્ય માનવીના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે.
તેમણે અગાઉના શાસનની સરખામણી કરતાં ગ્રામીણ માતાઓ-બહેનોને યાદ અપાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ગામડાઓમાં વીજળી કે સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આજે ગામેગામ અને ખેતરે ખેતરે પાણી અને ૨૪ કલાક વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય શક્ય બન્યું છે, જેના કારણે ગામડાં અને ખેતી સમૃદ્ધ બન્યાં છે.
અંતમાં, નાયબ મુખ્યમંત્રીએ ગામડાંઓને સ્વચ્છ અને પ્લાસ્ટિક-કચરામુક્ત બનાવવા માટે સૌ ગ્રામજનો અને ઉપસ્થિત મહિલાઓને 'સ્વચ્છ ભારત અભિયાન'માં સક્રિય સહયોગ આપવા વિનંતી કરી હતી.
ગોબરમાંથી દીવા બનાવવા માટે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા ગૃહ ઉદ્યોગનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે મહિલા દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારો, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
