News of Monday, 28th September 2026
ચાલુ ફરજ દરમિયાન પત્નીની સારવાર માટે જવા દેવાના અવેજમાં લાંચ માગનાર સુરત મનપાનો સિક્યુરિટી ઓફિસર ૨૫ હજારની લાંચ લેતા ઝડપાયો
તાપીપુરા ખાતે ACB એ સફળ છટકું ગોઠવી સીક્યુરીટી ઓફિસર શૈલેષ પારેખને લાંચની રકમ સાથે ચેમ્બરમાંથી જ રંગેહાથ પકડ્યો

સુરત:સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગના એક સીક્યુરીટી ઓફિસરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રૂ. ૨૫,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પત્નીની તબીબી સારવાર અર્થે કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન જવા દેવા અને ગેરહાજરી ન પૂરીને મેમો ન આપવાના અવેજ પેટે અધિકારીએ લાંચની માગણી કરી હતી.
મળતી વિગતો અનુસાર, ફરિયાદા કર્મચારીની પત્ની સગર્ભા હોય તેઓને અવાર-નવાર ડૉક્ટર પાસે સારવાર અર્થે લઈ જવાની જરૂરિયાત ઊભી થતી હતી. આ માટે કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન જવા દેવા તેમજ તેઓને ગેરહાજર ન મૂકીને મેમો ન આપવાના બદલામાં તાપીપુરા, મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગના સીક્યુરીટી ઓફિસર (વર્ગ-૩) શૈલેષ મણીલાલ પારેખે રૂ. ૨૫,૦૦૦ ની લાંચની માગણી કરી હતી.
જાગૃત ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે સુરત એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત ગ્રામ્ય એ.સી.બી. પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી દ્વારા તારીખ ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાપીપુરા ખાતે આવેલી સુરત મહાનગરપાલિકાની સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન આરોપી શૈલેષ પારેખે ફરિયાદી પાસેથી રૂ. ૨૫,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે એ.સી.બી.ની ટીમે દરોડો પાડીને અધિકારીને સ્થળ પર જ લાંચની પૂરેપૂરી રકમ સાથે રંગેહાથ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
