<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પંચમહાલના હૃદય સમાન કોરિડોર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નબીરાઓનો જીવલેણ સ્ટંટ

પંચમહાલના આ હાઈવે પર છેલ્લા 10 દિવસમાં 2 અકસ્માતમાં કુલ 8 ના મોત: છતાં કાયદાના ડર વગર સ્ટંટ કરતા નબીરાઓ બેફામ

  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સુવિધાની સાથે હવે જોખમ પણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર પર સ્થાનિક નબીરાઓ દ્વારા કરવામાં આવતા જોખમી સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવાનો પોતાની અને અન્યની જિંદગી જોખમમાં મૂકીને હાઈવે પર સ્ટંટ કરી રહ્યા છે. જે એક્સપ્રેસવે મુસાફરોની સુવિધા અને સમય બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો, તે હવે જોખમી સ્ટંટબાજો માટેનું મેદાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોમાં પણ એવી ચર્ચા છે કે ગતિની મર્યાદા વચ્ચે આ કોરિડોર હવે જાનલેવા સાબિત થઈ રહ્યો છે.

ચિંતાજનક બાબત એ છે કે, આ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં જ બે ભયાનક માર્ગ અકસ્માત (Road Accidents) સર્જાયા છે, જેમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આટલી મોટી જાનહાનિ છતાં પણ સ્ટંટબાજ નબીરાઓમાં કાયદાનો કોઈ ડર દેખાતો નથી. આ એક્સપ્રેસવે પર પોલીસ પેટ્રોલીંગ (Police Patrolling) અને સ્પીડ ગન (Speed Gun) જેવી સુવિધાઓ હોવા છતાં, આવા સ્ટંટબાજોને રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. લોકોની માંગ છે કે આવા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટાળી શકાય.

(1:16 AM IST)