<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

દેડિયાપાડા બાર એસોસિએશનનો દ્વારા લોક અદાલતનો બહિષ્કાર કરવાની જાહેરાતથી ખળભળાટ

કોર્ટમાં કેસો બોર્ડ પર લીધા વિના કબૂલાત કરાવાતી હોવાના આક્ષેપથી વકીલોમાં રોષ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લના દેડિયાપાડા બાર એસોસિએશનની તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રમુખ અરવિંદકુમાર એચ. વસાવાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. બેઠકમાં દેડિયાપાડા કોર્ટમાં યોજાનારી લોક અદાલત તથા ફોજદારી કેસોની કાર્યવાહી અંગે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ બાર એસોસિએશન દ્વારા લોક અદાલતનો બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઠરાવમાં જણાવાયું છે.
આરોપીઓને સમન્સ-નોટિસ વિના બોલાવાતા હોવાનો આક્ષેપ
બાર એસોસિએશનના ઠરાવમાં કરવામાં આવ્યો છે કે લોક અદાલતમાં મુકવામાં આવતા કેટલાક ફોજદારી તથા પ્રોહિબિશન કેસોમાં કેસોને નિયમિત બોર્ડ પર લીધા વિના દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં યાદી મોકલવામાં આવે છે.
ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓને બોલાવવામાં આવતા હોવાનો અને યોગ્ય સમન્સ કે નોટિસની પ્રક્રિયા વિના કોર્ટની કાર્યવાહી માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
– “કોર્ટમાં નહીં આવો તો વોરંટથી પકડી લઈશું” — વકીલ મંડળનો આક્ષેપ
ઠરાવમાં જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓને કોર્ટમાં હાજર નહીં થાય તો વોરંટથી પકડી લેવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બાર એસોસિએશને આ સમગ્ર બાબતને આરોપીઓના કાયદેસર તથા બંધારણીય અધિકારો સાથે જોડીને ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે.
– કેસોનું નિયમિત બોર્ડ બનાવવાની માંગ
વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે કેટલાક કેસોનું નિયમિત બોર્ડ બનાવવામાં આવતું નથી. ઉપરાંત, મુદ્દામાલ અરજીઓનું પણ યોગ્ય બોર્ડ ન બનતું હોવાથી પોલીસ અભિપ્રાય મેળવવામાં લાંબો સમય લાગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બાર એસોસિએશન દ્વારા મુદ્દામાલ અરજીઓ માટે અસરકારક બોર્ડ બનાવી નિયમિત કાર્યવાહી તથા મુદત નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.
– ૩૧ ઓગસ્ટે કોર્ટમાં રજૂઆત કર્યાનો દાવો
બાર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એસોસિએશનના હોદ્દેદારો તથા વકીલોએ આ મુદ્દે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, ઠરાવમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વકીલોની રજૂઆતોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નહોતી અને વકીલો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું.
– “માત્ર ડિસ્પોઝલ વધારવા માટે ન્યાયના હેતુને નુકસાન ન થવું જોઈએ”
બાર એસોસિએશને ઠરાવમાં જણાવ્યું છે કે જો માત્ર કબૂલાતવાળા કેસોમાં ઝડપી નિકાલ કરીને ડિસ્પોઝલનો આંકડો વધારવાનો આશય રાખવામાં આવે તો ન્યાયના મૂળ હેતુને નુકસાન થઈ શકે છે. વકીલ મંડળે જણાવ્યું છે કે કોર્ટની પ્રક્રિયા ન્યાયની પ્રણાલિકા મુજબ ચાલવાથી જ પક્ષકારોનું હિત જળવાઈ શકે અને ન્યાયનો હેતુ સિદ્ધ થઈ શકે.
– લોક અદાલતના બહિષ્કારથી આગામી દિવસોમાં સ્થિતિ રસપ્રદ બનશે
સમગ્ર મુદ્દાને લઈને દેડિયાપાડા બાર એસોસિએશને લોક અદાલતનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બાર એસોસિએશનના આ નિર્ણય બાદ કોર્ટની કાર્યવાહી અને વકીલ મંડળ વચ્ચેના મતભેદોને લઈને આગામી દિવસોમાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું.
ઉપરોક્ત આક્ષેપો બાર એસોસિએશનના ઠરાવમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે.

(10:35 PM IST)