News of Saturday, 20th June 2026
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગઠિત એસઆઇટીનો નિર્ણય રામબાણ પુરવાર થયો : સુરત ૫૦ લાખની બેંક લૂંટના માસ્ટર માઇન્ડ વિકાસસિંહ ઉર્ફે ચંદન સહિત બે શખ્સોને તમિલનાડુથી દબોચી લેવાયા
એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીણાના માર્ગદર્શન અને ડીસીપી આલોક કુમારના નેતૃત્વ હેઠળ ટીમે ૨૦૦૦ કિલોમીટર દૂર વેષ પલટો કરીને ખાસ ઓપરેશન પાર પાડ્યું : બિહારની જેલમાંથી કુંદન ભગતે રચાવ્યું હતું કાવતરું

રાજકોટ:સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની શાખામાં હથિયારો બતાવીને આચરવામાં આવેલી રૂપિયા ૫૦ લાખની સશસ્ત્ર લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. બેન્કના કર્મચારીઓ તથા ગ્રાહકોને બંધક બનાવી લૂંટ ચલાવવાની આખી ઘટનાનું માસ્ટરમાઇન્ડ પ્લાનિંગ કરનાર મુખ્ય આરોપી વિકાસસિંહ ઉર્ફે ચંદન તથા તેના સહ-આરોપી સંજીત ઉર્ફે સચીત રાજભરને સુરત શહેર ઝોન-૧ એસઆઇટી (SIT) ની ટીમે તમિલનાડુથી ઝડપી પાડ્યા છે. આ ચકચારી કેસમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો લેવાયેલો નિર્ણય રામબાણ પુરવાર થયો છે. એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીણાના માર્ગદર્શન અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) આલોક કુમારના નેતૃત્વમાં રચાયેલી એસઆઇટીની ટીમે સુરતથી આશરે ૨૦૦૦ કિલોમીટર દૂર તમિલનાડુમાં વેષ પલટો કરીને એક ખાસ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જારી કરાયેલી સત્તાવાર અખબારી યાદી અનુસાર, ગઈ તા. ૨૭/૦૪/૨૦૨૬ ના રોજ બપોરે આશરે એક વાગ્યાના સુમારે એલ.એચ. રોડ પર એફિલ ટાવરની બાજુમાં આવેલા શક્તિ ટાવરના પહેલા માળે SBI બ્રાંચ નં.૧૬૦૪૧ માં ૨૫ થી ૩૦ વર્ષની વયના પાંચથી વધુ સશસ્ત્ર અજાણ્યા બદમાશો ત્રાટક્યા હતા. તેઓએ પિસ્તોલ જેવા ઘાતક હથિયારો બતાવી હાજર સ્ટાફ અને કસ્ટમરોને બંધક બનાવી કુલ રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- ની સનસનાટીભરી લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. આ અંગે વરાછા પોલીસ મથકમાં બીએનએસ (BNS) એક્ટની કલમ-૩૧૦(૨), ૩૧૧, ૧૨૭(૨) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વહીવટી તપાસ તેજ કરાઈ હતી, જેમાં બાદમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની અન્ય કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વ હેઠળ અને અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૧) બલરામ મીણાના માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ કમિશનર (ઝોન-૧) આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર 'બી' ડિવિઝનના સુપરવિઝન હેઠળ ઝોન-૧ SIT ટીમની વિશિષ્ટ રચના કરવામાં આવી હતી. આ ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સુરત શહેર-જિલ્લાના ટાવર ડેટા એનાલિસિસની મદદથી તપાસ લંબાવતા માલૂમ પડ્યું હતું કે, આ ધાડને આંતરરાજ્ય ગુનેગાર કુંદન ભગત ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ગુનાનો મુખ્ય સૂત્રધાર કુંદન ભગત હાલમાં બિહારની આદર્શ પટના જેલ બેઉર ખાતે ૧૪ કરોડની લૂંટના ગુનામાં કેદ છે. તેણે જેલની અંદરથી જ આરોપી વિકાસસિંહ ઉર્ફે ચંદનને સુરતમાં બેન્ક લૂંટવાનું આખું પ્લાનિંગ સોંપ્યું હતું. આથી વિકાસસિંહ બનાવના ૬ મહિના પહેલા જ સુરતના હિદાયત નગર જકાતનાકા ખાતે ભાડાનો રૂમ રાખીને રહેવા લાગ્યો હતો અને બિહારથી અન્ય આરોપીઓને વારાફરતી સુરત બોલાવી સમગ્ર કાવતરું સમજાવીને લૂંટને અંજામ આપ્યો હતો.
SIT ની અલગ-અલગ ટીમો આ આંતરરાજ્ય ગેંગને પકડવા માટે ૨૦ દિવસ સુધી બિહાર સહિતના રાજ્યોમાં ડેરા જમાવીને બેઠી હતી. તે દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળી હતી કે આરોપીઓ કર્ણાટક-તમિલનાડુ બોર્ડર એરિયામાં છુપાયેલા છે. જેના આધારે તમિલનાડુ પહોંચેલી સુરત પોલીસની ટીમે વેષ પલટો ધારણ કરી સ્થાનિક સ્તરે ઓપરેશન હાથ ધર્યું હતું અને મુખ્ય આરોપી વિકાસકુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક ઉર્ફે દીપક (રહે. મધુરાપુરાગામ, મુઝફ્ફરપુર, બિહાર) તથા તેના સહ-આરોપી સંજીત ઉર્ફે સચીત દિનેશભાઈ રાજભર (રહે. ગામ કરમ્મર, બલિયા, ઉત્તર પ્રદેશ) ને દબોચી લીધા હતા અને તેમની પાસેથી કુલ રૂપિયા ૨,૭૦,૦૦૦/- ની રોકડ રકમ રિકવર કરી છે.
પકડાયેલો મુખ્ય આરોપી વિકાસસિંહ ઉર્ફે ચંદન ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં તેના પર બિહારના રામક્રિશ્ના નગર સ્ટેશનમાં મેડિકલ શોપમાં લૂંટ, આગમકુઆ પોલીસ સ્ટેશનમાં શ્રીરામ ફાઇનાન્સમાં ધાડ, લાલગંજ પોલીસ સ્ટેશનમાં લૂંટ, સોનપુર પોલીસ સ્ટેશનમાં પીએનબી (PNB) બેન્કમાં લૂંટ તેમજ ગુજરાતના મહેસાણા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે તેના સાથીદાર સંજીત દિનેશભાઈ રાજભર સામે પણ અગાઉ મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસ મથકે પોક્સો (POCSO) એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. આ પ્રશંસનીય ઓપરેશનને સફળ બનાવવામાં ઝોન-૧ SIT ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. માળી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઇ, જિગ્નેશભાઈ નાનજીભાઈ, મહેશભાઇ ઘુઘાભાઇ તેમજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાચાભાઇ અને જય શૈલેષભાઇએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
