તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ડાકોર રણછોડજી મંદિરમાં મનોરથના ભાવમાં 4 ગણો વધારો કરવાનો નિર્ણય મોકૂફ, ભક્તો અને સેવક પૂજારીઓના ઉગ્ર વિરોધ બાદ મંદિર સમિતિએ લીધો યુ-ટર્ન
મંદિર સમિતિએ 15 મેથી મનોરથનો ભાવ 5 હજારથી વધારી 20 હજાર કરવાની જાહેરાત કરી હતી, વિરોધના પગલે જૂનો ભાવ યથાવત રાખવાનો નિર્ણય, આગામી બેઠકમાં પુનઃ વિચારણા થશે

ડાકોર, તા. 16 : ડાકોરના પ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં મનોરથના ભાવમાં 4 ગણો વધારો કરવાનો નિર્ણય મંદિર સમિતિએ મોકૂફ રાખ્યો છે. ભક્તો, સેવક પૂજારીઓ અને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધ બાદ સમિતિએ શુક્રવારે મોડી સાંજે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.
ડાકોર મંદિર સમિતિ દ્વારા 14 મેના રોજ પરિપત્ર જાહેર કરીને 15 મેથી મનોરથનો ભાવ 5 હજાર રૂપિયાથી વધારીને 20 હજાર રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મંદિરના ખર્ચમાં વધારો અને વ્યવસ્થાના કારણો આગળ ધરીને ભાવ વધારાનો નિર્ણય લેવાયો હતો. આ જાહેરાત બાદ ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી.
ભાવ વધારાના વિરોધમાં શુક્રવારે સવારે મોટી સંખ્યામાં ભક્તો, સેવક પૂજારીઓ અને સ્થાનિક વેપારીઓ મંદિર પરિસરમાં એકઠા થયા હતા. સેવક મંડળે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મનોરથનો ભાવ ચાર ગણો વધારવો એ સામાન્ય ભક્તો સાથે અન્યાય છે. ડાકોર ગરીબ અને મધ્યમ વર્ગના ભક્તોનું ધામ છે. આટલો ભાવ વધારો થવાથી અનેક ભક્તો મનોરથ કરી શકશે નહીં.
વિરોધને પગલે મંદિર સમિતિના અધિકારીઓ અને સેવક મંડળના પ્રતિનિધિઓ વચ્ચે તાકીદની બેઠક યોજાઈ હતી. લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠક બાદ સમિતિએ ભાવ વધારાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. મંદિરના વહીવટદારે જણાવ્યું કે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને હાલ જૂનો ભાવ 5 હજાર રૂપિયા જ યથાવત રાખવામાં આવશે.
સમિતિએ એમ પણ જણાવ્યું કે મંદિરના ખર્ચ અને વ્યવસ્થાને લઈને આગામી દિવસોમાં સેવક મંડળ, પૂજારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી મનોરથ બુકિંગ જૂના ભાવ મુજબ જ થશે. નિર્ણય મોકૂફ રહેતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
