<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મહેમદાબાદ પોલીસ મથકમાં જુગારના આરોપીના મોતથી ખળભળાટ : અત્યંત ક્રૂરતાપૂર્વક મારપીટ કર્યાનો આક્ષેપ

પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે ગોવિંદ ચૌહાણને અકારણ ઉઠાવી જઈને માર મારતા તેમનું મોત થયું:હોસ્પિટલમાં ભારે હોબાળો :ન્યાયની માંગ

ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં પોલીસની કથિત લાપરવાહી અને મારપીટને કારણે એક 50 વર્ષીય નિર્દોષ વ્યક્તિના મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સૂંઢા વણસોલ ગામેથી પોલીસે જુગારના કેસમાં કાર્યવાહી કરી હતી, જે દરમિયાન આ દુઃખદ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, મહેમદાવાદ પોલીસે સૂંઢા વણસોલ ગામેથી ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા 50 વર્ષીય ગોવિંદ ચૌહાણ નામના વ્યક્તિને પણ પોલીસે શંકાના આધારે ઉઠાવી લીધા હતા. પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, ગોવિંદ ચૌહાણ નિર્દોષ હતા, તેમ છતાં પોલીસ મથકમાં તેમની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમનું પોલીસ મથકમાં જ મોત નીપજ્યું હતું.

નિર્દોષ વ્યક્તિના મોતની જાણ થતા જ પરિવારજનો અને ગામલોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભારે હોબાળો કર્યો હતો. આ ઘટના બાદ મહેમદાવાદ પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પરિસ્થિતિ વણસતી જોઈ ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક થયા છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.

  

(12:37 AM IST)