તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
'ગુજરાતની દીકરીઓ નશાની લતે ચડી ગઈ છે' : 'દારૂબંધી છતાં યુવતીઓમાં વ્યસન વધ્યું, સમાજ માટે લાલબત્તી સમાન' : ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન
ઝઘડિયામાં એક કાર્યક્રમ દરમિયાન વસાવાએ વ્યક્ત કરી ચિંતા, 'કોલેજ જતી છોકરીઓ હુક્કા બાર અને પબમાં જાય છે, દારૂ-ડ્રગ્સનું સેવન કરે છે', વાલીઓને દીકરીઓ પર ધ્યાન રાખવા અપીલ, વિપક્ષે કહ્યું - 'સરકારની નિષ્ફળતા', મહિલા આયોગે માંગ્યો રિપોર્ટ

ભરૂચ : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં યુવતીઓમાં વધી રહેલા વ્યસનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતાજનક નિવેદન આપ્યું છે. ઝઘડિયા ખાતે એક સામાજિક કાર્યક્રમમાં બોલતા વસાવાએ કહ્યું કે, "આજે ગુજરાતની દીકરીઓ નશાની લતે ચડી ગઈ છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે."
સાંસદ વસાવાએ જણાવ્યું કે, "હું જ્યાં પણ જાઉં છું ત્યાં આવી ફરિયાદો સાંભળવા મળે છે. કોલેજમાં ભણતી છોકરીઓ હુક્કા બાર, પબ અને ફાર્મ હાઉસ પર જઈને દારૂ અને ડ્રગ્સનું સેવન કરે છે. દારૂબંધીવાળા ગુજરાતમાં આ સ્થિતિ અત્યંત ગંભીર છે."
તેમણે વાલીઓને અપીલ કરતા કહ્યું કે, "માતા-પિતાએ પોતાની દીકરીઓ ક્યાં જાય છે, કોની સાથે ફરે છે તેના પર ધ્યાન રાખવું પડશે. માત્ર દીકરાઓ નહીં, દીકરીઓ પર પણ નજર રાખો. મોબાઈલ અને પૈસાનો દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી પરિવારની છે."
વસાવાના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, "સાંસદનું નિવેદન ભાજપ સરકારની દારૂબંધી નીતિની નિષ્ફળતા છતી કરે છે." બીજી તરફ, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ ગૃહ વિભાગ પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે.
સામાજિક કાર્યકર રીટા પટેલે જણાવ્યું કે, "આ સમસ્યા છે ખરી, પણ તેને માત્ર દીકરીઓ સાથે જોડવી યોગ્ય નથી. વ્યસન લિંગ જોઈને નથી આવતું. જાગૃતિની જરૂર છે."
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
