News of Sunday, 13th September 2026
માતાના પગલે દીકરી ડોક્ટર બની: ડેડીયાપાડાની માતા-દીકરીની જોડીએ રચ્યો પ્રેરણાનો ઈતિહાસ
માતા નર્સ, દીકરી ડોક્ટર: CHC ડેડીયાપાડામાં જોવા મળ્યું ગૌરવભર્યું દ્રશ્ય:“માતાએ નર્સ બની સેવા કરી, દીકરી ડોક્ટર બની એ જ હોસ્પિટલમાં પહોંચી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :સામાન્ય રીતે MBBS પૂર્ણ કર્યા બાદ યુવાનો મોટા શહેરોમાં કારકિર્દી બનાવવાનું પસંદ કરે છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડામાં એક એવું પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું, જે સમગ્ર પંથક માટે ગૌરવની વાત બની છે. CHC ડેડીયાપાડામાં માતા સ્ટાફ નર્સ તરીકે અને દીકરી MBBS ડોક્ટર તરીકે એક જ હોસ્પિટલમાં સાથે ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહ્યાં છે.
ડેડીયાપાડાની CHCમાં છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી રહેલા કુંતાબેન રાયસિંગભાઈ વસાવાએ વર્ષોથી દર્દીઓની સેવા કરવાની સાથે પોતાની દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું જોયું હતું. માતાની મહેનત, સંઘર્ષ અને પ્રેરણાથી દીકરી ડૉ. રિત્વિકા વસાવાએ MBBSની ડિગ્રી મેળવી અને હવે જે હોસ્પિટલમાં તેમની માતા વર્ષોથી સેવા આપી રહી છે, એ જ CHC ડેડીયાપાડામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવવાની તક મેળવી છે.
માતા-દીકરીની આ જોડીએ માત્ર પોતાના પરિવારનું નહીં પરંતુ સમગ્ર ડેડીયાપાડા પંથકનું ગૌરવ વધાર્યું છે. એક તરફ માતા વર્ષોથી દર્દીઓની સેવા કરી રહી છે, તો બીજી તરફ દીકરી ડોક્ટર બની દર્દીઓની સારવાર કરી રહી છે. એક જ વોર્ડમાં માતા દર્દીને ઇન્જેક્શન આપે અને બાજુમાં દીકરી એ જ દર્દીની તપાસ કરે-આ દ્રશ્ય દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે પણ લાગણીસભર બની જાય છે.
ડૉ.રિત્વિકાબેન વસાવાએ પ્રાથમિકથી માધ્યમિક સુધીનું શિક્ષણ સાપુતારા સ્થિત મિશન સંસ્થાની અંગ્રેજી માધ્યમ શાળામાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ ખાતે MBBSનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર બની અને હવે પોતાના જ વિસ્તારની CHC ડેડીયાપાડામાં સેવા આપવાની તક મેળવી છે.
ડૉ.રિત્વિકાબેન કહે છે કે, “મારા મા-બાપ મારા પ્રથમ ગુરુ છે. નાનપણથી મેં મારી મમ્મીને રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરતા જોઈ છે. તેમની મહેનત અને સેવા ભાવનાએ મને ડોક્ટર બનવાની પ્રેરણા આપી. આજે જે હોસ્પિટલમાં મારી માતા વર્ષોથી સેવા આપે છે, એ જ સ્થળે તેમની સાથે કામ કરવાની તક મળી એ મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે.”
ડૉ.રિત્વિકાબેનના પિતા રાયસિંગભાઈ હુનિયાભાઈ વસાવા પણ તાલુકા પ્રાથમિક શાળા, ડેડીયાપાડામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. એટલે એક તરફ માતા આરોગ્ય ક્ષેત્રે અને પિતા શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યાં છે, જ્યારે દીકરી ડોક્ટર બની આરોગ્ય ક્ષેત્રે પરિવારની સેવા પરંપરાને આગળ ધપાવી રહી છે.
અંતરિયાળ ગામ મુલ્કાપાડા, તા. ડેડીયાપાડા, જિ. નર્મદાથી આવેલી આ માતા-દીકરીની સફળતા ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી સમાજની દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. “દીકરીને ભણાવો” માત્ર સૂત્ર નહીં પરંતુ તેને તક મળે તો દીકરી શું કરી શકે તેનું જીવંત ઉદાહરણ ડેડીયાપાડાની આ માતા-દીકરીની જોડી બની છે.
CHC ડેડીયાપાડામાં સાથે સેવા આપતી આ અનોખી માતા-દીકરીની જોડીને લઈને સમગ્ર પંથકમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા બંનેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
માતાની 20 વર્ષની સેવા અને દીકરીની મહેનતથી સાકાર થયેલું ડોક્ટર બનવાનું સપનું ડેડીયાપાડાની આ માતા-દીકરીની જોડી આજે અનેક દીકરીઓ માટે “સપનું જુઓ અને તેને સાકાર કરો”નો જીવંત સંદેશ બની છે
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
