<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ડેટિંગ એપ 'Bumble' પર મિત્રતા ગાંધીનગરની મહિલાને પડી મોંઘી: કસ્ટમ્સ ક્લિયરન્સના નામે ઠગોએ ₹૫.૨૮ લાખ પડાવી લીધા!

વિદેશી ડોક્ટરની ફેક પ્રોફાઈલ બનાવી જાળ બિછાવી: તુર્કીમાં હોટલના ખર્ચ અને દિલ્હી કસ્ટમ્સના નામે પૈસા પડાવનાર સાયબર ફ્રોડ ગેંગ સામે ગુનો દાખલ

ગાંધીનગર : ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશન પર અજાણ્યા લોકો પર ઝડપથી વિશ્વાસ મૂકવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. એક નામાંકિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી મહિલાને ડેટિંગ એપ 'બમ્બલ' (Bumble) પર મિત્રતા કરવી ભારે પડી છે. નેધરલેન્ડ સ્થિત ભારતીય તબીબની ફેક ઓળખ આપીને સાયબર માફિયાઓએ મહિલાનો વિશ્વાસ જીતી કસ્ટમ્સ ક્લિયરન્સ અને અન્ય બહાના હેઠળ કુલ ₹૫.૨૮ લાખની ઠગાઈ આચરી હતી.

 

પોલીસ ફરિયાદ અનુસાર, ગાંધીનગરના રહેવાસી નૂપુર ગાંધીએ ડેટિંગ એપ બમ્બલ પર ડો. નિખિલ કોટેચા નામના વ્યક્તિ સાથે સંપર્ક કેળવ્યો હતો. તેણે પોતે મૂળ ભારતનો પરંતુ હાલ નેધરલેન્ડના એમ્સ્ટરડમમાં રહેતો હોવાનો દાવો કરી વિદેશી નંબરથી ચેટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ તુર્કીમાં હોસ્પિટલના સાધનો ખરીદવા ગયા બાદ બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોવાનું કહી પ્રથમ તબક્કે ₹૧.૫૦ લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ ૪ મેના રોજ એક મહિલાએ દિલ્હી કસ્ટમ્સ અધિકારી બનીને ફોન કર્યો હતો અને કથિત ડો. કોટેચા કસ્ટમ્સમાં અટકાયતમાં હોવાનું કહી ક્લિયરન્સ ચાર્જ અને કિંમતી દાગીનાના જીએસટી (GST) ચાર્જ પેટે તબક્કાવાર અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

 

સાયબર ફ્રોડનો અહેસાસ થતાં ૧૯૩૦ પર કરી ફરિયાદ

 

વારંવાર વધુ પૈસાની માંગણી થતાં આખરે મહિલાને સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો. તેમણે તુરંત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી ગાંધીનગર રેન્જ સાયબર સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૂર્વ આયોજિત ષડયંત્ર રચી ફેક આઈડી દ્વારા છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય સાયબર ગેંગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(7:21 PM IST)