<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

નર્મદા જિલ્લામાં ઉનાળાનું અમૃત ગણાતી તાડફળી આદિવાસી લોકોનું રોજગારનું મુખ્ય સ્ત્રોત

સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો પર પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યા વધતા અને એ તરફ ના લોકો ગમે તે ભાવે એને ખરીદી કરતા હોય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ઠંડક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તાડફળીએ ઉનાળાની સીઝનમાં નજરે પડતું દુર્લભફળ છે જેને “ગલેલી”, “તફડા” અને અંગ્રેજીમાં “Palm” તરીકે ઓળખવા આવે છે. જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે.

   કહેવાય છે કે ઉનાળાની સીઝનમાં નજરે પડતી આ તાડફળી ગરમીના સમયમાં શરીરના તાપમાન અને લૂને નિયંત્રિત કરે છે, શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આંખ, કોલેરા, પાચનક્રિયા, ડાયબિટિસ સહિત શરીરમાં રહેલા ઝેરી પદાર્થો-કચરાને દૂર કરવાનુ કાર્ય કરે છે. ટૂંકમાં તાડફળી બિમારીઓથી માનવીને સુરક્ષિત રાખવા સક્ષમ છે. દેખાવમાં લીલા નાના નારિયેળ જેવું આ ફળ પાચન ક્રિયા સહિત એસીટીડી જેવી તકલીફોથી પણ છુટકારો આપી રાહત આપે છે.
ઉનાળામાં સ્વાથ્ય માટે ગુણકારી ગણાતી ગલેલી(તાડફોડી)નર્મદા જિલ્લામાં વધુ થતી હોવાથી અગાઉના વર્ષોમાં એ મફતની કિંમતે એટલેકે ચાલીસ થી પચાસ રૂપિયે કિલોના ભાવે વેચાતી હતી અને હાઇવે માર્ગ પર લોકો ઢગલા લઈ વેચાણ કરતા હતા ત્યારે હાલ ઉનાળામાં આ ગલેલી બમણા ભાવે એટલે કે 100 રૂપિયાએ કીલો વેચાણ થાય છે. માટે સ્થાનિક લોકો માટે માટે એ ખાવી મોંઘી થઈ છે. સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો પર પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યા વધતા અને એ તરફ ના લોકો માટે આ ફળ ખુબ મનપસંદ હોવાથી ગમે તે ભાવે શહેરના લોકો એને ખરીદી કરતા હોય જેથી અગાઉ કરતા હાલ ગલેલીના ભાવ બમણા થતા સ્થાનિકોની આવક જરૂર વધી છે પરંતુ નર્મદા વાસીઓ માટે એ જરૂર મોંઘી પડી રહી છે.

(11:54 PM IST)