<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

દીવા તળે અંધારું! આખા તાલુકાને પાણી આપતુ દેડિયાપાડાનું મોસીટ ગામ પોતે જ તરસ્યું

૩ દિવસમાં ઉકેલ નહીં આવે તો વોટર યુનિટને તાળાબંધીની ચીમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામમાં પાણી પુરવઠાનો મોટો પ્લાન્ટ હોવા છતાં ગ્રામજનોના નળમાં પાણી નથી. મોસીટ ગામે પાણી મુદ્દે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે,  AAPના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા.

દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામે પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગામમાં એકત્ર થયેલા લોકોએ પાણી પુરવઠાની સમસ્યા અંગે સરકાર અને વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા મોસીટ ગામ ખાતે પાણી પુરવઠાનો મોટો યુનિટ અને ટાંકી બનાવવામાં આવી છે, જ્યાંથી દેડિયાપાડા અને સાગબારા તાલુકાના અનેક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ વિસંગતિ એ છે કે જે ગામમાં પાણીનો પ્લાન્ટ આવેલો છે, તે જ મોસીટ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી માટે તરસ્યા છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર બિલ પાસ કરાવવા માટે શરૂઆતના થોડા દિવસ પાણી ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે તેમનું ઘર પાણીની ટાંકીથી માત્ર ૧૫ થી ૨૦ મીટર દૂર હોવા છતાં તેમના ઘરે આજદિન સુધી નળમાં પાણી આવ્યું નથી. પાણીની સમસ્યાની જાણ થતા આમ આદમી પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી હતી. સભ્યોએ ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે યોગ્ય ઉકેલ માટે તેઓ તંત્ર સામે લડત લડશે.
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૩ દિવસમાં નિયમિત પાણી પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ મોસીટ સ્થિત વોટર યુનિટને તાળાબંધી કરી આખા તાલુકાનું પાણી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(11:13 PM IST)