તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ભાદરવી પૂનમના મેળામાં દાંતા-અંબાજી રોડ પર જય અંબે સેવા કેન્દ્ર-યુએસએ દ્વારા આધુનિક વેક્યૂમ સેનિટેશન વોશરૂમ શરૂ કરાયા
હવાના દબાણ આધારિત આ સિસ્ટમમાં પ્રતિ ફ્લશ માત્ર 0.5 લિટર પાણી વપરાશે અને દુર્ગંધ નિયંત્રિત રહેશે. સીલ્ડ સ્ટોરેજ ધરાવતી આ સુવિધાથી પદયાત્રીઓને ભારે રાહત અને સ્વચ્છ વાતાવરણ મળશે.

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાંઆવતા લાખો માઈભક્તો અને પદયાત્રીઓની સુવિધા અને આરોગ્યપ્રદ સ્વચ્છતાને ધ્યાને રાખીને એક અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દાંતા-અંબાજી હાઇવે પર પદયાત્રીઓ અને પ્રવાસીઓ માટે નવી પેઢીની 'વેક્યૂમ સેનિટેશન ટેક્નોલોજી' આધારિત હાઇટેક વોશરૂમ સુવિધા શરૂ કરવામાં આવી છે. 'જય અંબે સેવા કેન્દ્ર - યુ.એસ.એ.' દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સિસ્ટમ પરંપરાગત શૌચાલયો કરતાં સાવ અલગ છે અને તેનાથી પાણીનો જંગી બગાડ અટકશે તેમજ સંપૂર્ણ દુર્ગંધમુક્ત વાતાવરણ જળવાઈ રહેશે.
પરંપરાગત ગ્રેવિટી આધારિત ટોઇલેટ સિસ્ટમમાં એક ફ્લશમાં 6 થી 8 લિટર જેટલું પાણી વેડફાતું હોય છે. જ્યારે આ નવી વેક્યૂમ સેનિટેશન સિસ્ટમમાં ગંદા પાણી અને વેસ્ટના પરિવહન માટે એર પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજી દસ્તાવેજ અનુસાર, આ સિસ્ટમ પ્રતિ ફ્લશ માત્ર અંદાજે 0.5 લિટર પાણીના વપરાશ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં સ્પેશિયલ એરફ્લો ટેકનિક કાર્યરત હોવાથી શૌચાલયની દુર્ગંધ તુરંત ખેંચાઈ જાય છે અને વોશરૂમ સતત સુગંધિત અને ચોખ્ખા રહે છે.
ભાદરવી પૂનમ દરમિયાન દાંતાથી અંબાજી માર્ગ પર લાખો પદયાત્રીઓ સતત અવરજવર કરતા હોવાથી માર્ગો પર સ્વચ્છ શૌચાલય જાળવવા એ મોટો પડકાર હોય છે. આ નવી વેક્યૂમ સિસ્ટમમાં વેસ્ટને સીધા સીલ્ડ સ્ટોરેજમાં એકત્રિત કરવાની જોગવાઈ હોવાથી જમીનમાં પરંપરાગત સોકેજ પિટ બનાવવાની જરૂર રહેતી નથી, જેનાથી જમીન પ્રદૂષણ કે ગંદકી ફેલાતી અટકે છે. સિસ્ટમમાં પાણી પુરવઠો અને વેસ્ટ નિકાલ માટે અલગ-અલગ સંગ્રહ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી પીક અવર્સ દરમિયાન હજારો યાત્રાળુઓ એકસાથે ઉપયોગ કરે તો પણ કામગીરી અવિરત ચાલુ રહે છે.
જય અંબે સેવા કેન્દ્ર - યુએસએ' દ્વારા "સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા" ના સૂત્રને ચરિતાર્થ કરતાં શ્રદ્ધાળુઓ માટે આ અત્યાધુનિક સેનિટેશન સેવાનો પ્રારંભ કરાયો છે. લાંબી પગપાળા યાત્રા કરી રહેલા વડીલો, મહિલાઓ અને તમામ દર્શનાર્થીઓને હાઈવે પર જ એરપોર્ટ અને હાઇ-સ્પીડ ટ્રેનો જેવો સુવિધાસભર અને સ્વચ્છ શૌચાલયનો અનુભવ મળી રહ્યો છે, જેની સમગ્ર પંથકના પદયાત્રીઓ દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
