<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ડિજિટલ ડ્રગ્સનો ખતરનાક અંજામ: ગુજરાતના પરિવારો હવે બાળકોને સ્માર્ટફોનના વ્યસન અને હિંસક વર્તનથી બચાવવા ઘરમાં તૈનાત કરી રહ્યા છે બાઉન્સરો

મોબાઈલ છીનવતા જ સંતાનો બની રહ્યા છે ખૂંખાર, અમદાવાદ અને સુરતમાં સુરક્ષા એજન્સીઓની ડિમાન્ડમાં તોતિંગ ઉછાળો: લાખોના ખર્ચે સંતાનો પર 24 કલાક રખાઈ રહી છે ગુપ્ત નજર

અમદાવાદ : ગુજરાતમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનું વ્યસન હવે એટલી હદે વકર્યું છે કે લાચાર માતા-પિતાએ પોતાના જ સંતાનો પર લગામ કસવા માટે બાઉન્સરોની મદદ લેવી પડી રહી છે. અમદાવાદના એક પ્રભાવશાળી પરિવારમાં 16 વર્ષની કિશોરી ફોન છીનવી લેતા એટલી હિંસક બની ગઈ કે તેણે ઘરમાં તોડફોડ કરી માતા પર હુમલો કર્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા પરિવારે માસિક 65 હજાર રૂપિયાના ખર્ચે ચાર બાઉન્સરો તૈનાત કર્યા છે, જે બે શિફ્ટમાં તેની હિલચાલ પર સતત નજર રાખે છે. મનોચિકિત્સકોના મતે, આ માત્ર આદત નથી પણ એક જીવલેણ માનસિક બીમારીમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

સુરતમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓનલાઇન ગેમિંગના વ્યસની 17 વર્ષના યુવકે પિતાના ઠપકાનો ગુસ્સો પાલતુ શ્વાન પર ઉતારી તેને બેરહેમીથી માર માર્યો હતો. આક્રમક બનેલા પુત્રથી પાલતુ પ્રાણી અને પરિવારને બચાવવા માટે નવ મહિના સુધી આઠ બાઉન્સરોનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, હવે પ્રભાવશાળી પરિવારો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના સંતાનોને ડ્રગ્સ, હની ટ્રેપ અને ખરાબ સંગતથી દૂર રાખવા માટે બાઉન્સરોને ખાસ તાલીમ આપીને 'શેડો મોનિટરિંગ' માટે રાખી રહ્યા છે.

માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો આ ગંભીર સ્થિતિ માટે કોવિડકાળ પછીના ઓનલાઇન શિક્ષણ અને સતત સ્ક્રીન ટાઈમને જવાબદાર માની રહ્યા છે. અભયમ હેલ્પલાઇન અને હોસ્પિટલોમાં નોંધાતા કિસ્સાઓ મુજબ, ફોન ન મળતા કિશોરોમાં આત્મહત્યા કે હિંસા કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ ઉદ્યોગપતિઓ પોતાના બાળકોને વિવાદોથી બચાવવા ગુપ્ત રીતે સુરક્ષાકર્મીઓ પાછળ લાખોનો ધુમાડો કરી રહ્યા છે. આ ટ્રેન્ડે સામાજિક સ્તરે લાલબત્તી ધરી છે કે ડિજિટલ યુગમાં વાલીપણું હવે કેટલું પડકારજનક બની ગયું છે.

(11:03 AM IST)