તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
દાહોદના અભલોડ ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાતા સહેજમાં અટક્યો : જમણવાર બાદ ૨૦૦ થી વધુ મહેમાનોને ભયાનક ફૂડ પોઈઝનિંગ
પનીરનું શાક અને કેરીનો રસ ઝેર બનતા અડધી રાત્રે દોડધામ : ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી ટેમ્પોમાં દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા : ગંભીર હાલતના લોકો માટે ઝાયડસ હોસ્પિટલમાં સ્પેશિયલ મેડિકલ ટીમ તૈનાત

દાહોદ: મંગળવાર, તા. ૨૧-૦૪-૨૦૨૬ દાહોદના ગરબાડા પંથકમાં મંગળસૂત્ર બંધાવાની ખુશીઓ વચ્ચે કાળમુખો કોળિયો કરૂણાંતિકા સર્જતા રહી ગયો. અભલોડ ગામે યોજાયેલા એક લગ્ન સમારંભમાં મહેમાનો જ્યારે લગ્નગીતોના તાલે ઝૂમી રહ્યા હતા, ત્યારે જ મધરાતે ભોજનમાં પીરસાયેલું પનીર અને કેરીનો રસ 'ધીમું ઝેર' સાબિત થયા હતા. જોતજોતામાં લગ્ન મંડપ રુદન અને ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો, જ્યારે એક પછી એક ૨૦૦ થી વધુ આમંત્રિતો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યા હતા. મધરાતે સર્જાયેલી આ કુદરતી આફત જેવી સ્થિતિએ સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રને દોડતું કરી દીધું છે.
જમ્યાના ત્રણ કલાક બાદ શરૂ થયો મૌતનો તાંડવ:
અભલોડ ખાતે યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં રાત્રિના ૮:૦૦ વાગ્યા આસપાસ મહેમાનોએ ઉત્સાહભેર ભોજન લીધું હતું. મેનુમાં પનીરનું શાક, દાળ-ભાત અને સીઝનલ વાનગી તરીકે કેરીના રસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, ભોજન લીધાના આશરે ૩ કલાક બાદ એટલે કે રાત્રિના ૧૧:૦૦ વાગ્યે અચાનક મહેમાનોને પેટમાં અસહ્ય દુખાવો અને ઉલટીઓ શરૂ થઈ હતી. જોતજોતામાં પીડિતોની સંખ્યા ૨૦૦ ને વટાવી ગઈ હતી, જેના કારણે લગ્ન સ્થળ પર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.
એમ્બ્યુલન્સ ખૂટી પડી, ટેમ્પોમાં દર્દીઓને ખસેડવા પડ્યા:
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. જોકે દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ૧૦૮ ઉપરાંત ખાનગી વાહનો અને ટેમ્પો જેવા સાધનોનો ઉપયોગ કરીને દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવાની ફરજ પડી હતી. હોસ્પિટલના પરિસરમાં ચારેતરફ એમ્બ્યુલન્સની સાયરન અને સ્ટ્રેચર પર દર્દીઓને લઈ દોડતા આરોગ્ય કર્મચારીઓના દ્રશ્યોએ ગંભીરતામાં વધારો કર્યો હતો.
બાળકો અને વૃદ્ધોની હાલત ગંભીર, ઝાયડસમાં સારવાર હેઠળ:
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ જે દર્દીઓની સ્થિતિ વધુ નાજુક જણાતી હતી, તેમને વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ માઠી અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી છે. તબીબોની વિશેષ ટીમ હાલ તમામ અસરગ્રસ્તો પર સતત દેખરેખ રાખી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકના નમૂના લઈ તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
