<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

દહેજ પંથકમાં મહિલાએ પ્રેમ સંબંધની ના પાડતા પતિના મિત્રએ ધમકી આપી બે વર્ષની બાળાનું અપહરણ કરીને રૂમમાં લઈ જઈ પીંખી નાખી

બાળકીની માતા પ્રેમ સંબંધ ન રાખતી હોવાની રીસ રાખી 'પરિણામ ભોગવવા તૈયાર રહેજે' તેમ કહી આરોપીએ 2 વર્ષની બાળકી પર હેવાનિયત આચરી: દહેજ પોલીસે દુષ્કર્મ, અપહરણ અને POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકમાં 2 વર્ષની માસૂમ બાળકી પર નરાધમે જઘન્ય કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર બાળકીની માતા આરોપી સાથે પ્રેમ સંબંધ ન રાખતી હોવાની રીસ રાખીને 'પરિણામ ભોગવવા તૈયાર રહેજે' તેમ કહી આરોપીએ 2 વર્ષની બાળકીને પીંખી નાખતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના પતિનો મિત્ર સુરેન્દ્રકુમાર (ઉંમર વર્ષ 35) ફરિયાદી સાથે મિત્રતા કેળવવા દબાણ કરતો હતો. ફરિયાદી મહિલાએ મિત્રતા રાખવાની ના પાડતા નરાધમે પ્રથમ ફોન ઉપર ધમકી આપી હતી કે આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે.

 

ત્યારબાદ ફરિયાદીની 2 વર્ષની માસૂમ બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે જ આરોપી બાળકીને ઉઠાવીને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને તેના પર ગંભીર પ્રકારે દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય કૃત્યને કારણે માસૂમ બાળકીના ગુપ્ત ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાળકી સતત રડી રહી હોવા છતાં નરાધમને જરાય દયા આવી નહોતી.

 

 

આખરે ભોગ બનનારની માતા તાબડતોબ પોતાની માસૂમ બાળકી સાથે દહેજ પોલીસ મથકે દોડી ગઈ હતી. પોલીસે ગુનાની ગંભીરતાને સમજીને આરોપીને ઝડપી પાડવા અને તેની સામે દુષ્કર્મ, અપહરણ તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુનાની ગંભીરતા એટલી હદે છે કે માત્ર 20 વર્ષની મહિલાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર પતિના જ મિત્રએ પોતાના મિત્રની પત્નીની 2 વર્ષ અને 2 મહિનાની માસૂમ બાળકી પર ગંભીર કૃત્ય આચર્યું છે. હૈયાફાટ રુદન કરતી હાલતમાં બાળકી મળી આવતા અને ફોન પર અપાયેલી ધમકી મુજબનું કૃત્ય નરાધમે આચર્યું હોવાનું સામે આવતા દહેજ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:57 PM IST)