News of Monday, 1st June 2026
સાયબર ક્રિમિનલ્સની ખેર નથી : રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે આવતીકાલથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત્રે યોજાઈ હાઈ-લેવલ બેઠક : રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા આદેશ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા અને ડિજિટલ ફ્રોડ આચરતા ગુનેગારોની કમર તોડી નાંખવાના મક્કમ ઉદ્દેશ્ય સાથે આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ હાઈ-લેવલ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ગુનાખોરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ઉપમુખ્યમંત્રીએ આ બેઠકમાં પોલીસ પ્રશાસનને ફુલ વ્યુહરચના સાથે આગળ વધવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા છે.
આ બેઠકના સૌથી મોટા નિર્ણય અંતર્ગત, આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં "ઓપરેશન મ્યુલ હંટ 2.0" નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવશે. આ ખાસ ઝુંબેશ હેઠળ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સાયબર ફ્રોડ માટે વપરાતા શંકાસ્પદ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (ભાડાના બેંક ખાતાઓ) વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી આકરી અને કડક કાનૂની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાયબર માફિયાઓ દ્વારા નાણાંની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા આવા તમામ બેંક ખાતાધારકો અને તેની પાછળના મુખ્ય સુત્રધારોને શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલવા માટે ગૃહ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
આ મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ દરમિયાન મોડી રાત્રે રાજ્યના પોલીસ વડા (DG) ડૉ. કે.એલ.એન.રાવ સહિતના ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાકીદે સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને બેઠકમાં પ્રત્યક્ષ રીતે જોડાયા હતા. આ ઉપરાંત, રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનર, તમામ રેન્જના આઈજી (IG) તથા ડીઆઈજી (DIG) અને તમામ જિલ્લાના પોલીસ વડા (SP) વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ તમામ પોલીસ વડાઓને પોતપોતાના કાર્યક્ષેત્રમાં ટેકનોલોજી અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ ઓપરેશનને સો ટકા સફળ બનાવવા માટે અત્યારથી જ કામે લાગી જવા સૂચના આપી છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
