<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2004માં શરૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક વન નિર્માણની પહેલ અંતર્ગત હવે ગુજરાતમાં 25મું સાંસ્કૃતિક વન બનીને તૈયાર--

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોરબંદરમાં રાજ્યના 25મા સાંસ્કૃતિક વનનુ લોકાર્પણ: મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારથી પ્રેરિત આ વનનું નામ છે ‘સર્વોદય વન’, 20 કરોડના ખર્ચે 14 હેક્ટરમાં નિર્માણ: મહાત્મા વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, સર્વોદય વન, ગ્રામ સ્વરાજ (ઇકો વિલેજ), આયુષ વન, મિશન લાઇફ ગાર્ડન જેવા વિવિધ આકર્ષણો, દિવ્યાંગો માટે ખાસ રમતગમતનો વિસ્તાર

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2004માં શરૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક વન નિર્માણની પહેલ અંતર્ગત હવે રાજ્યમાં 25મું સાંસ્કૃતિક વન બનીને તૈયાર છે. 1 ઓક્ટોબર 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોરબંદરમાં ઓડદર ગામ પાસે સાંસ્કૃતિક વન - ‘સર્વોદય વન’નું લોકાર્પણ કરવામાં આવશે. મહાત્મા ગાંધીના જીવન અને સર્વોદયના વિચારોની પ્રેરણાના આધારે આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વાવલંબન અને ગ્રામ સ્વરાજના વિચારોને પ્રસ્તૂત કરવામાં આવ્યા છે. સાથે અહીં મહાત્મા વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, સર્વોદય વન, ગ્રામ સ્વરાજ (ઇકો વિલેજ), આયુષ વન, મિશન લાઇફ ગાર્ડન જેવા વિવિધ વિભાગો બનાવવામાં આવ્યા છે. આ વનમાં ગાંધીજીના જીવનપ્રસંગો, સ્વાતંત્ર્ય સંગ્રામ,અને તેમના આદર્શોને શિલ્પો અને પ્રાકૃતિક માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવશે.  
   સર્વોદય વનમાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા, ઔષધીય વનસ્પતિ અને ટકાઉ જીવનશૈલી અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવશે. સ્થાનિક સંસ્કૃતિ, હસ્તકલા અને ગ્રામ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપતા વિવિધ આકર્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાંસ્કૃતિક વન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનનું કેન્દ્ર બનશે. ઓડદરનું આ વન ગાંધીજીના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવામાં અને પોરબંદરની ઐતિહાસિક ઓળખને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વન વિભાગને 89 વાહનો ફાળવવામાં આવ્યા
વન વિભાગની દૈનિક કામગીરીની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ₹11.20 કરોડના ખર્ચે 89 વાહનો ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા આ વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે.
સર્વોદય વનનાં મુખ્ય આકર્ષણો
મુખ્ય પ્રવેશદ્વાર
મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને પ્રથમ નજરે જ સાંસ્કૃતિક વૈભવનો અનુભવ થાય તેવું જાજરમાન પ્રવેશદ્વાર અહીં બનાવવામાં આવ્યું છે.
સ્વાગતમ પરિસર
સ્વાગતમ પરિસર સાંસ્કૃતિક વનનું પ્રથમ આકર્ષણ અને મુલાકાતીઓ માટેનું આવકાર કેન્દ્ર છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં માત્ર ક્રાંતિકારીઓ જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોએ પણ ગાંધીજીને મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. અહીં તેની પ્રસ્તૂતિ કરવામાં આવી છે. આ વિસ્તાર આશરે 3,200 ચો.મી.માં ફેલાયેલો છે અને અંદાજિત 1,200 રોપાઓનું વાવેતર અહીં કરવામાં આવ્યું છે. 
સી-વ્યૂ ગાર્ડન
સી-વ્યૂ ગાર્ડન દરિયાકિનારાના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે વિકસાવવામાં આવેલું આકર્ષક સ્થળ છે. અહીં પામ વૃક્ષોનું વાવેતર અને ગઝેબો (મઢૂલી)ની વ્યવસ્થા દ્વારા મુલાકાતીઓને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ થશે. આ ગાર્ડનમાંથી દરિયાના મનોહર દૃશ્યો તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભૂત નજારાનો આનંદ માણી શકાય છે. આ વિસ્તારમાં આશરે 2,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. 
ગ્રામ સ્વરાજ – ઇકો વિલેજ
ગ્રામ સ્વરાજનો મુખ્ય હેતુ આત્મનિર્ભર, સ્વચ્છ, હરિત અને ટકાઉ ગ્રામ વિકાસના વિચારને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રામ્ય જીવનશૈલી, સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓનું અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગ્રામ સ્વરાજ આશરે 3,500 ચો.મી.માં ફેલાયેલું છે અને અંદાજિત 1,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
કૃષ્ણ-સુદામા વાટિકા
કૃષ્ણ-સુદામા વાટિકા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામાની નિઃસ્વાર્થ મિત્રતા, પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. આશરે 1,000 ચો.મી.માં ફેલાયેલી વાટિકામાં અંદાજે 600 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ-સુદામાની 3D કલાકૃતિ તથા 2 મ્યુરલ્સ (ભીંતચિત્રો) છે. તેમાં શ્રીકૃષ્ણ-સુદામાનું બાળપણ અને દ્વારિકામાં શ્રીકૃષ્ણ-સુદામાનો મેળાપ દર્શાવવામાં આવ્યો છે. 
મહાત્મા વન
મહાત્મા વનનું નિર્માણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને આદર્શોથી પ્રેરિત છે. અહીં સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વાવલંબન અને ગ્રામ વિકાસ જેવા મૂલ્યો રજૂ કરવામાં આવ્યા છે.ગાંધીજીના જીવન સાથે જોડાયેલા જુદા-જુદા પ્રસંગો એટલે કે “મોહનથી મહાત્મા” બનવા સુધીની સફર પથ્થર પર કોતરણી કરીને કલાત્મક સ્ટોન મ્યુરલ વોલ દ્વારા રજૂ કરવામાં આવી છે. મહાત્મા વન આશરે 3,100 ચો.મી.માં ફેલાયેલું છે અને અંદાજિત 600 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. 
માતૃ વન
માતૃ વન માતૃત્વ, મમતા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું પ્રતીક છે. અહીં વિવિધ છાયાદાર, ઔષધીય અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માતા અને દીકરી વૃક્ષનું વાવેતર કરી રહ્યાં હોય તેવા શિલ્પ અને મઢુલી બનાવવામાં આવ્યા છે. માતૃ વન અંદાજે 2,300 ચો.મી.માં ફેલાયેલું છે અને આશરે 600 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
સત્ય વન
સત્ય વન મહાત્મા ગાંધીજીના જીવનના મૂળભૂત સિદ્ધાંત “સત્ય” પર આધારિત છે. તેનો હેતુ સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નૈતિકતા અને પારદર્શિતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. અહીં 2 મ્યુરલ મૂકવામાં આવ્યા છે, જેમાં ગાંધીજીના જીવન પર આધારિત સત્ય ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહિંસા વન
અહિંસા વન મહાત્મા ગાંધીજીના અહિંસા અને શાંતિના સિદ્ધાંતને સમર્પિત છે. અહીં અહિંસા સ્તંભ તથા ગાંધીજી દ્વારા કરવામાં આવેલા મુખ્ય 3 સત્યાગ્રહની મ્યુરલ વોલ બનાવવામાં આવી છે. આ વન આશરે 6,100 ચો.મી.માં ફેલાયેલું છે અને અંદાજિત 2,500 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
શાંતિ વન
શાંતિ વન માનસિક શાંતિ, પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવ્યું છે. અહીં લોકો ધ્યાન, યોગ અને કસરત કરી શકે છે અને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. શાંતિ વનમાં બનાવવામાં આવેલી 2 હસ્તમુદ્રા, પંચવટમ – પાંચ વૃક્ષોનું વાવેતર અને પથ્થરમાં કોતરાયેલું શ્રી યંત્ર મુખ્ય આકર્ષણ છે. આ વન અંદાજે 7,500 ચો.મી.માં ફેલાયેલું છે અને અંદાજિત 8,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. 
બરડા વન કુંજ
બરડા વન કુંજનું નિર્માણ બરડા પર્વતમાળા અને તેના સમૃદ્ધના કુદરતી વારસાને રજૂ કરવા માટે કરવામાં આવ્યું છે. અહીં બરડા વિસ્તારની સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવોની જીવનશૈલી અંગે માહિતી આપવામાં આવી છે.
આયુષ વન
આયુષ વન આયુર્વેદ, યોગ, યુનાની અને હોમિયોપેથી જેવી પરંપરાગત આરોગ્ય પદ્ધતિઓના મહત્વને ઉજાગર કરે છે.
અહીં તુલસી, લીમડો, બહેડા, બીલી, સરગવો, જાંબુ જેવાઔષધીય વૃક્ષો, છોડ અને જડીબુટ્ટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
રોક ગાર્ડન
રોક ગાર્ડન કુદરતી પથ્થરો, શિલ્પો અને કલાત્મક રચનાઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અહીં ગાંધીજીના ત્રણ વાંદરાના શિલ્પો, વિશ્વાસનું વૃક્ષ અને વૈશ્વિક શાંતિનું શિલ્પ મૂકવામાં આવ્યું છે. રોક ગાર્ડન આશરે 3,100 ચો.મી.માં ફેલાયેલું છે અને અંદાજિત 2,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
વન કવચ
વન કવચનો હેતુ જંગલોનું સંરક્ષણ, વૃક્ષારોપણ અને જૈવવિવિધતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સર્વોદય વનમાં 1.5 હેક્ટરમાં વિવિધ પ્રજાતિના લગભગ 18,000 રોપાઓ ઉછેરીને વન કવચ વિકસાવવામાં આવ્યું છે. અહીં વોચ ટાવરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
મિશન લાઇફ ગાર્ડન
મિશન લાઇફ ગાર્ડન ભારત સરકારના મિશન લાઇફ (લાઇફસ્ટાઇલ ફોર એનવાયર્નમેન્ટ) અભિયાનથી પ્રેરિત છે. અહીં સ્વચ્છ અને સ્વસ્થ જીવનશૈલી, ટકાઉ ખાદ્ય વ્યવસ્થા અને ઈ-વેસ્ટ રિસાઇક્લિંગ અંગે મ્યુરલ વોલ બનાવવામાં આવી છે.
સનડાયલ પ્લાઝા
સર્વોદય વનમાં સનડાયલ પ્લાઝા બનાવવામાં આવ્યો છે, જ્યાં સૂર્યના પડછાયા દ્વારા સમય બતાવતી સૂર્યઘડી સ્થાપિત કરવામાં આવી છે. 
ચિંગરીયા ગામના કારીગરોની હાથવણાટની શાલ અને કેફેટેરિયા
ચિંગરીયા ગામના કારીગરો દ્વારા હાથવણાટની પરંપરાગત કળાથી બનાવવામાં આવતી શાલ સ્થાનિક હસ્તકલા અને કારીગરીનું સુંદર ઉદાહરણ છે. કેફેટેરિયા તથા સ્થાનિક વાનગીઓ અને પરંપરાગત ખાદ્યપદાર્થો સાથે આ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ અને યુવાનો માટે સ્વરોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ છે. 
વિવિધ પ્રજાતિના 1.25 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર, પ્રવાસીઓ માટે પ્લે એરિયા અને અન્ય સુવિધાઓ
સર્વોદય વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 1.25 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં સ્થાનિક પ્રજાતિના વડ, પીપળ, ઉંબરો, કરંજ અને બદામ સહિત દરિયાકાંઠે ઉછરી શકે તેવી પ્રજાતિઓમાં સરુ, પીલુ, પારસ પીપળો, નાળિયેર, કોડિયા વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓની સુવિધા માટે પ્રાકૃતિક રમતગમત વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે. દિવ્યાંગો માટે અલગ રમતગમત વિસ્તારનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મુલાકાતીઓની સુગમતા માટે કેફેટેરિયા, સુવેનિયર શોપ અને અન્ય જનસુવિધાઓ ઊભી કરવામાં આવી છે

(6:33 PM IST)