તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
સુરતમાં કળિયુગી માતા-પિતાનું ક્રૂર કૃત્ય: ૫ વર્ષના દીકરાને તરછોડી ખોટી ફરિયાદ નોંધાવી
સાવકા પિતા અને સગી માતાએ બાળકને ચોપાટી પર લાવારિસ હાલતમાં છોડ્યું, પોલીસની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

સુરત : સુરતના વરાછા વિસ્તારમાં લોહીના સંબંધોને લજવનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગી માતા અને તેના સાવકા પિતાએ ૫ વર્ષના માસૂમ દીકરા અમનને જિંદગીનો બોજ સમજી સાત મહિના પહેલા ચોપાટી પર તરછોડી દીધો હતો. પાપ પર પડદો પાડવા અને કાયદાથી બચવા માટે આ દંપતીએ બાળક ગુમ થયાનું નાટક કરી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ વરાછા પોલીસની ઝીણવટભરી તપાસમાં આખું કાવતરું ખુલ્લું પડી ગયું હતું.
વરાછામાં રહેતા રવિ અને તેની પત્ની દુર્ગાએ પોલીસને જણાવ્યું કે તેમનો દીકરો અમન રમતા-રમતા ગુમ થઈ ગયો છે. દંપતીએ કરેલી આ ફરિયાદને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, પોલીસને શરૂઆતથી જ માતા-પિતાના વિરોધાભાસી નિવેદનો અને તેમના વર્તન પર શંકા ગઈ હતી. પોલીસે ૨૫થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પણ કોઈ કડી ન મળતા દંપતીની સઘન પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન દંપતી ભાંગી પડ્યું હતું અને સમગ્ર સત્ય કબૂલ્યું હતું. અમન એ દુર્ગાના પહેલા પતિનો પુત્ર હતો. દુર્ગાએ રવિ સાથે બીજા લગ્ન કર્યા બાદ આ બાળક તેમના માટે ભારરૂપ બની ગયું હતું. આથી, તેમણે ૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ અમનને વરાછાની જગદીશનગર ચોપાટી પર એકલો મૂકીને નિર્દયતાથી તરછોડી દીધો હતો. તાજેતરમાં પકડાઈ જવાની બીકે તેમણે બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરીને માસૂમ અમનને કતારગામના ચિલ્ડ્રન હોમમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો છે. હાલ બાળક ત્યાં સુરક્ષિત છે અને તેને યોગ્ય દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક કિસ્સાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આ પ્રકારના ક્રૂર માતા-પિતા વિરુદ્ધ કડક સજાની માંગ કરી રહ્યા છે.
પોલીસે આરોપી રવિ અને દુર્ગા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં હવે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. બાળકના ઉછેર અને સુરક્ષા અંગે ચિલ્ડ્રન વેલફેર કમિટી દ્વારા આગળના નિર્ણયો લેવામાં આવશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
