<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

લોકગાયીકા કિંજલ રબારીના અપહરણ કેસમાં ચાંદખેડા પોલીસમાં પતિની ફરિયાદ બાદ ગુન્હો દાખલ : તપાસનો ધમધમાટ શરૂ

નરસિંહભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમો 137/2, 126/2 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે પોલીસે BNS હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે  કિંજલ રબારીનું કાળી કારમાં અપહરણ થયું હોવાનો મેસેજ મળતા ચાંદખેડા પોલીસ એક્શનમાં આવી હતી.

ગાયિકા કિંજલ રબારી પોતાના પતિ નરસિંહભાઈ (મુકેશભાઈ) રબારી તથા પોતાની બહેન જાનકીબેન અને બનેવી સાથે ચાંદખેડા સ્થિત CBD મોલ ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા. આ દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહીને કિંજલ મોલની બહાર ઊભી હતી.

નરસિંહભાઈના જણાવ્યા મુજબ, એક સફેદ શર્ટ પહેરેલ અજાણ્યા ઈસમે તેમને પકડી રાખ્યા હતા અને તે જ સમયે કિંજલ કાળી ગાડી (વેન્યુ/ક્રેટા) માં બેસીને જતી રહી હતી. આ મામલે નરસિંહભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમો 137/2, 126/2 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે મોલના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કિંજલ પોતે જ ગાડીમાં બેસતી નજરે પડે છે. પોલીસે ભૂતપૂર્વ પતિ અશોક ચૌધરી સાથેના ચાલી રહેલા સિવિલ કોર્ટના કેસ, અગાઉના આંતરજ્ઞાતીય લગ્ન અને પરિવાર સામે કરેલા આક્ષેપો સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દિશામાં તપાસ લંબાવી છે.

(10:05 PM IST)