News of Friday, 4th September 2026
ઓશિયા મોલના ડિરેક્ટરો સામે ૧૬ કરોડની ઠગાઈ અંગે ગુનો નોંધાયો : ૨૫૦ થી વધુ વેપારીઓએ એનસીએલટી (NCLT) સમક્ષ ૨૫૦ કરોડથી વધુના દાવા રજૂ કર્યા
ઓશિયા હાઇપર રિટેલ લિમિટેડના ડિરેક્ટર ધીરેન્દ્ર ગૌતમ ચોપરા અને શ્રીમતી કવિતા ધીરેન્દ્ર ચોપરા વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર: પંજાબ નેશનલ બેંકના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવા છતાં ચેકો આપી વેપારીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ

અમદાવાદ: ઓશિયા હાઇપર રિટેલ લિમિટેડના ડિરેક્ટરો ધીરેન્દ્ર ગૌતમ ચોપરા અને શ્રીમતી કવિતા ધીરેન્દ્ર ચોપરા તથા અન્ય એક આરોપી વિરુદ્ધ આશરે રૂ. ૧૬ કરોડના માલસામાનની કથિત છેતરપિંડી મામલે ગુજરાત પોલીસે ગુનાહિત કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમ અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૪), ૩૧૬(૫), ૬૧(૧) અને ૩(૫) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
સીઆઈડી ક્રાઈમના જણાવ્યા અનુસાર, ધીરેન્દ્ર ચોપરા અને શ્રીમતી કવિતા ચોપરાએ રૂચિ રાજકુમાર બાહેતી સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. ગુજરાતભરમાં આવેલા વિવિધ ઓશિયા મોલ્સમાં કામ કરતા પ્રશાસનિક સ્ટાફનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી માલસામાન મેળવવામાં આવ્યો હતો. આરોપીઓએ ઓશિયા મોલના સ્ટાફ મારફતે નાના-મોટા વેપારીઓનો રૂબરૂ અથવા ફોન દ્વારા સંપર્ક કરીને તેમની પાસેથી સામાન ખરીદ્યો હતો. કંપનીના પંજાબ નેશનલ બેંકના ખાતામાં પૂરતું ભંડોળ ઉપલબ્ધ નથી તેવું જાણવા છતાં, ધીરેન્દ્ર ચોપરા અને શ્રીમતી કવિતા ચોપરાએ ચેકો પર સહી કરીને વેપારીઓને આપ્યા હતા અથવા તો મોલના સ્ટાફ મારફતે તે ચેકો સુપ્રત કરાવ્યા હતા.
બેંકમાં રજૂ કરાયેલા આ ચેકો પાછા ફરતાં (બાઉન્સ થતાં) વેપારીઓને આશરે રૂ. ૧૬ કરોડથી વધુ મૂલ્યના માલસામાનનું ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઈમને એ પણ જાણવા મળ્યું છે કે ૨૫૦ થી વધુ વેપારીઓએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ રૂ. ૨૫૦ કરોડથી વધુની રકમના દવાઓ રજૂ કર્યા છે.
આ કેસની વધુ તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સેલના ડિટેક્ટીવ પોલીસ ઈન્સ્પેક્ટર વાય. પી. જાડેજા ચલાવી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું છે કે તપાસ દરમિયાન અન્ય જે લોકોની સંડોવણી સામે આવશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં ભોગ બનેલા અને અસરગ્રસ્ત વેપારીઓને તપાસ અધિકારીનો સંપર્ક કરવા માટે પણ જણાવાયું છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
