<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વટવામાં ૩૪ વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ અજિત રાજિયાણની ટીમે કુટુંબ નગરના કૂવામાંથી લાશ શોધી કાઢી

ફરઝાના ઉર્ફે શબનમની હત્યા કરી શમશુદ્દીને લાશ ઘરના કૂવામાં છુપાવી હતી : મૃતકના ભણકારા વાગતા પરિવારજનોએ તાંત્રિક વિધિનો સહારો લેતા વર્ષ ૧૯૯૨ના સનસનીખેજ રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો

 રાજકોટ: બુધવાર : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨ના એક એવા હત્યાકાંડનો ભેદ ઉકેલ્યો છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વટવા વિસ્તારમાં આવેલા કુટુંબ નગર ચોક પાસે એક ઘરના કૂવામાંથી ૩૪ વર્ષ બાદ માનવ અવશેષો કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણની ટીમે આ અશક્ય લાગતા કેસને શોધી કાઢીને ગુનાખોરીની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

 

 પરિવારને થતા 'ભણકારા' એ ગુનો ઉઘાડો પાડ્યો:

આ કેસની વિગતો મુજબ, વર્ષ ૧૯૯૨માં ફરઝાના ઉર્ફે શબનમ નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ 'ક્રાઈમ ઓફ પેશન' એટલે કે લગ્નેતર સંબંધોનું કારણ જવાબદાર હોવાનું મનાય છે. મુખ્ય આરોપી શમશુદ્દીને (જે હાલ મૃતક હોવાની આશંકા છે) હત્યા કર્યા બાદ લાશને ક્યાંય બહાર ફેંકવાને બદલે પોતાના જ ઘરની અંદર આવેલા કૂવામાં દફનાવી દીધી હતી. દાયકાઓ સુધી આ રાઝ દટાયેલું રહ્યું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આરોપીના પરિવારમાં અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી હતી. પરિવારના સભ્યોને મૃતક મહિલાના સતત ભણકારા અને ભ્રમણા થતી હતી, જેના કારણે તેઓ ભયભીત થઈ ગયા હતા. માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા પરિવારે તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો, જે દરમિયાન આ હત્યાની કડીઓ બહાર આવી હતી.

 

 ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન અને રિકન્સ્ટ્રક્શન:

ક્રાઈમ બ્રાન્ચને જ્યારે આ અસામાન્ય બાબતની બાતમી મળી ત્યારે અજિત રાજિયાણની ટીમે તુરંત તપાસ તેજ કરી હતી. પોલીસ દ્વારા વટવાના કુટુંબ નગર ચોક સ્થિત મકાનમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને કૂવામાંથી અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કેસમાં કેટલાક સહ-આરોપીઓ અને નજરે જોનાર સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વર્ષો જૂના આ કિસ્સામાં વિજ્ઞાન અને ગુપ્તચર બાતમીના આધારે પોલીસે પુરાવા એકત્રિત કર્યા છે. ૩૪ વર્ષ બાદ કૂવામાંથી નીકળેલા હાડપિંજરે આખા વિસ્તારમાં ચર્ચા જગાવી છે કે પાપ ગમે તેટલું જૂનું હોય, તે એક દિવસ બહાર ચોક્કસ આવે છે. હાલમાં ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:25 PM IST)