News of Sunday, 24th May 2026
અમદાવાદમાં બ્રાન્ડેડ અને નકલી એફએમસીજી ઉત્પાદનોનું મોટું રેકેટ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ : અરુણ ગુપ્તા અને સચિન ગુપ્તા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણની ટીમમાં સામેલ પીઆઈ એસ.જે. જાડેજાના સ્ટાફે સોલા ભાગવત અને ગોટાના ગોડાઉન પરથી સુજીત પોદ્દાર પાસેથી ₹૨૦.૨૬ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં નામચીન અને પ્રખ્યાત કંપનીઓના નામે નકલી એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) પ્રોડક્ટ્સ બનાવીને બજારમાં વેચવાના એક બહુ મોટા રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલના યોગ્ય માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણની ટીમમાં સામેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. જાડેજા અને તેમના સ્ટાફને આ ઓપરેશનમાં બહુ મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક જાહેર રસ્તા પરથી એક હ્યુન્ડાઈ ઈઓન કારને અટકાવીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી તેમજ ગોટા રેલવે બ્રિજ નજીક આવેલા બે ગોડાઉન પરથી વિવિધ નામચીન બ્રાન્ડની ડુપ્લિકેટ વસ્તુઓ મળીને કુલ રૂપિયા ૨૦,૨૬,૪૦૨ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ઓપરેશનની વિગતો મુજબ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં નકલી ચીજવસ્તુઓના ગેરકાયદેસર વેપારને રોકવા માટે વોચમાં હતી. તે દરમિયાન સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી હ્યુન્ડાઈ ઈઓન કારને રોકીને પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેમાંથી ગોલ્ડ ફ્લેક અને માર્લબોરો બ્રાન્ડની નકલી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. કારની વધુ સઘન તલાશી લેતા તેમાંથી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે બનાવેલું નકલી અમુલ ઘી, જશવંત છાપ બીડી, ફેવિક્વાઇક, વાઘ બકરી ચા, સર્ફ એક્સેલ ઇઝી વોશ, એવરેસ્ટ ચિકન મસાલા, ઈનો ફ્રુટ સોલ્ટ અને અન્ય બ્રાન્ડેડ કન્ઝ્યુમર આઈટમો મળી આવી હતી. પોલીસે પ્રથમ તબક્કે રૂપિયા ૩,૦૯,૧૮૭ ની કિંમતનો નકલી સામાન જપ્ત કરીને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
પોલીસ કસ્ટડીમાં લેવાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ પૈકીના એક સુજીત રાજારામ પોદ્દારે કબૂલાત કરી હતી કે તે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આ નકલી અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ મેળવીને આખા અમદાવાદ શહેરમાં ગ્રાહકોને સપ્લાય કરતો હતો. તેની કડક પૂછપરછના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ધોરણે ગોટા રેલવે બ્રિજ નજીક આવેલા આરોપીઓના કબજા હેઠળના બે મોટા ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ બંને ગોડાઉનમાંથી પોલીસને અસલી જેવી જ દેખાતી નકલી એફએમસીજી પ્રોડક્ટ્સનો એક બહુ મોટો જથ્થો મળી આવ્યો હતો, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચે વધારાનો રૂપિયા ૧૫ લાખથી વધુની કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ આખા ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુખ્ય નકલી ઉત્પાદનોમાં ગોલ્ડ ફ્લેક અને માર્લબોરો બ્રાન્ડની સિગારેટ, વાઘ બકરી ચાના પેકેટો, એવરેસ્ટ ચિકન અને મીટ મસાલા, અમુલ અને સાગર ઘીના પાઉચ, ટાઈડ, એરિયલ અને સર્ફ એક્સેલ વોશિંગ પાવડર, જલારામ મસાલા, નેસ્કાફે સનરાઈઝ કોફીના પાઉચ, તાનસેન મસાલા અને તમાકુના ઉત્પાદનો, ફેવિક્વાઇક એડહેસિવ, જશવંત છાપ સ્પેશિયલ બીડીના પેકેટો તેમજ હાર્પિક ટોઇલેટ ક્લીનરની બોટલોનો સમાવેશ થાય છે. આ ડુપ્લિકેટ વસ્તુઓ આબેહૂબ અસલી જેવી જ પેકિંગ ડિઝાઈન અને બ્રાન્ડ નેમનો દુરુપયોગ કરીને ગ્રાહકોને છેતરવા માટે બજારમાં ઉતારવામાં આવી હતી, જે જાહેર જનતાના સ્વાસ્થ્ય અને ગ્રાહક સુરક્ષા માટે અત્યંત જોખમી છે.
આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં (૧) અરુણ કુમાર રાકેશભાઈ ગુપ્તા (ઉંમર ૩૬ વર્ષ, ધંધો- ઉબેર ડ્રાઇવર, રહે. ગોટા/ચાંદલોડિયા, અમદાવાદ), (૨) સચિન રાકેશભાઈ ગુપ્તા (ઉંમર ૩૮ વર્ષ, ધંધો- ડ્રાઇવિંગ, રહે. ચાંદલોડિયા, અમદાવાદ) અને (૩) સુજીત રાજારામ પોદ્દાર (ઉંમર ૩૦ વર્ષ, ધંધો- વેપાર, રહે. ઘાટલોડિયા, અમદાવાદ) નો સમાવેશ થાય છે. આ નકલી માલ કઈ જગ્યાએ ફેક્ટરીમાં ઉત્પાદન થતો હતો, તેનો સપ્લાય ચેઈન અને સ્ટોરેજ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલો છે તેમજ આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં ડીસીપી અજિત રાજિયાણની ટીમ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
