<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અમદાવાદમાં 25 કરોડનાં ડ્રગ્સ કેસનો આરોપી ભાગવા જતાં ક્રાઇમ બ્રાન્ચે કર્યું ફાયરિંગ : પગમાં ધરબી ગોળી

કસ્ટડીમાં રહેલા કફીલ અહેમદને રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાતા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આરોપીએ પોલીસની નજર ચૂકવી ભાગવાનો પ્રયાસ કર્યો

 અમદાવાદમાં 25 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી કફીલ અહેમદ પર પોલીસ ફાયરિંગની ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આરોપીને રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી છે. ફાયરિંગમાં કફીલ અહેમદના પગમાં ગોળી વાગી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા કફીલ અહેમદને રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આરોપીએ પોલીસની નજર ચૂકવી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

 

 

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગોળી કફીલ અહેમદના પગમાં વાગી હતી. સમગ્ર ઘટનાક્રમમાં કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું અને ચોક્કસ કયા સંજોગોમાં ગોળી ચલાવવામાં આવી, તેની સત્તાવાર વિગતો હજુ સ્પષ્ટ થવાની બાકી છે.

 

 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર CTM ટોલ પ્લાઝા નજીકથી આશરે 25.65 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં કફીલ અહેમદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 4.53 કિલો હેરોઈન અને 2.49 કિલો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો.

 

કરોડોના ડ્રગ્સ કેસની તપાસ વચ્ચે આરોપીએ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને નાસી છૂટતો અટકાવ્યો હતો. ફાયરિંગની ઘટનામાં આરોપીને થયેલી ઈજા અને ત્યારબાદની કાર્યવાહી અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં PSI રાવલે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન PSI રાવલને હાથના ભાગે ઈજા પહોંચી હતી. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

(10:50 PM IST)