તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 5th September 2026
શિક્ષક દિને ગુરુજનો પ્રત્યે ઋણસ્વીકાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં આપ્યો ફાળો
મુખ્યમંત્રી નિવાસસ્થાને ફાળો લેવા પહોંચેલા વિદ્યાર્થીઓ સાથે CMએ સહજ સંવાદ સાધી ગહન આદરભાવ વ્યક્ત કર્યો; DDO, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર: સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં અનન્ય યોગદાન આપનારા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પાવન પર્વ 'શિક્ષક દિન' નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યે ઊંડો આદરભાવ દર્શાવ્યો હતો.
મહાન શિક્ષણવિદ્દ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરથી લઈને શ્રેષ્ઠ સમાજના નિર્માણ સુધી શિક્ષકોની ભૂમિકાને બિરદાવવા આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો એકત્રિત કરવાની પરંપરા છે.
આ પરંપરાને જાળવી રાખી ગાંધીનગરની વિવિધ શાળાઓના બાળ-વિદ્યાર્થીઓ શિક્ષક કલ્યાણ નિધિનો ફાળો એકત્ર કરવા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વૈચ્છિક ફાળો અર્પણ કરવાની સાથે સાથે આ ભૂલકાંઓ સાથે અત્યંત સહજતાથી સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પિયુષ પટેલ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
