તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ગુજરાતના બાળકોની સર્જનાત્મકતાને મળશે ‘પેટન્ટ’ની પાંખો : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા અનોખા ‘કિડનોવેશન’ પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ : જુઓ વિડિયો
વાઇસ-ચાન્સેલર ડો. ટી.એસ. જોશીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી રાજ્યના ૧૦૦ પ્રતિભાશાળી બાળકોની પસંદગી કરી પેટન્ટ અપાવશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને અનુરૂપ નવીન પહેલ

ગાંધીનગર:ગુજરાતના બાળકોમાં રહેલી નવસર્જનની અદભુત શક્તિને પ્રોત્સાહન આપવા અને તેમના અનોખા વિચારોને બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) તરીકે વૈશ્વિક સ્તરે વિકસાવવાના ઉમદા હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU), ગાંધીનગર દ્વારા ‘કિડનોવેશન’ (Kidnovation) નામનો એક અનોખો અને ઐતિહાસિક પ્રોજેક્ટ આજથી એટલે કે ૨૩ જૂનથી શરૂ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આજે શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની ૮૭મી પુણ્યતિથિ છે, જે અવસરે બાળકોના હિત માટે આ મહત્વપૂર્ણ શરૂઆત કરાઈ છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી એ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક અનોખું વિચારબીજ હતું. દેશના બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય અને બાળકોના નવસર્જનને આપણી શિક્ષણ પ્રણાલી સ્વીકારે એ તેમની દીર્ઘદ્રષ્ટિનો મધ્યવર્તી વિચાર રહ્યો છે, જેને હવે સાકાર કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના દિશાનિર્દેશોને સંપૂર્ણપણે અનુરૂપ આ નવીન પહેલ બાળકોમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોના નવતર વિચારોને વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકૃત કરીને તેમને કાયદેસર પેટન્ટના સ્વરૂપમાં પરિવર્તિત કરવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સશક્ત નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં ભારતીય જ્ઞાન પરંપરા અને સર્જનાત્મકતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આ પ્રોજેક્ટ અત્યંત નિર્ણાયક સાબિત થશે.
પ્રોજેક્ટની વિગતો આપતાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના વાઇસ-ચાન્સેલર ડો. ટી.એસ. જોશીએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાંથી આશરે ૧૦૦ પ્રતિભાશાળી બાળકોની વિશેષ પસંદગી કરવામાં આવશે. આ પસંદ થયેલા બાળકોને પ્રોટોટાઇપિંગ, ડિઝાઇન અને ઇનોવેશન અંગે વ્યાપક તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ તેમના સર્જનાત્મક વિચારોનું યોગ્ય મૂલ્યાંકન કરીને ૨૦ થી ૩૦ નવતર વિચારો માટે ભારતીય પેટન્ટ કચેરીમાં પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરવામાં આવશે. સૌથી મહત્વની અને ગર્વની વાત એ છે કે આ પેટન્ટની ૧૦૦ ટકા માલિકી માત્ર ને માત્ર બાળકોના નામે જ રહેશે.’’ વાઇસ-ચાન્સેલર ડો. ટી.એસ. જોશીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સંસ્થા બાળકોના મૌલિક વિચારોને કાનૂની સુરક્ષા આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આ પ્રોજેક્ટના অমલીકરણ અને આગળની પ્રક્રિયા અંગે માહિતી આપતા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પ્રશિક્ષણ કેન્દ્રના નિયામક નિલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ દરમિયાન તમામ ૧૦૦ બાળકોની આખી ઇનોવેશન યાત્રાનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરીને એક ‘કિડનોવેશન લોગ’ તૈયાર કરવામાં આવશે. આ લોગને ગુરુપેડિયા પ્લેટફોર્મ પર કાયમી આર્કાઇવ તરીકે હંમેશા માટે ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત, પ્રાથમિક શિક્ષણ સ્તરે બૌદ્ધિક સંપત્તિના વિકાસ માટે એક નીતિ આધારિત વ્હાઇટ પેપર પણ તૈયાર કરવામાં આવશે અને તેને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે.’’
આ સમગ્ર પ્રોજેક્ટનો સમયગાળો ૨૩ જૂનથી શરૂ થઈને ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધીનો રહેશે. જે અંતર્ગત આગામી જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન આઈડિયા સ્કાઉટિંગ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન થશે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં બાળકોના નવીન વિચારોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ફિલ્ટરિંગ કરવામાં આવશે. ત્યારબાદ ૧૫ અને ૧૬ ઓક્ટોબરે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે બે દિવસીય રેસિડેન્શિયલ પ્રોટોટાઇપિંગ બૂટ કેમ્પ યોજાશે, જેમાં પસંદગી પામેલા આશરે ૫૦ બાળકો ઉત્સાહભેર ભાગ લેશે.
આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે વિવિધ તજજ્ઞ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે, જેઓ પેટન્ટ ડ્રાફ્ટિંગ, પ્રોટોટાઇપિંગ, ઇનોવેશન સ્ક્રિનિંગ, શિક્ષક સંકલન અને કાયદાકીય દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. ‘કિડનોવેશન’ પ્રોજેક્ટ ગુજરાતમાં બાળ ઇનોવેશનની એક નવી જ સંસ્કૃતિ વિકસાવવાની દિશામાં ક્રાંતિકારી પગલું છે, જેનાથી રાજ્યના બાળકો માત્ર વિચારો સુધી મર્યાદિત ન રહેતા પોતાના નવતર વિચારોને વૈજ્ઞાનિક અને કાનૂની માન્યતા અપાવીને ભવિષ્યના સફળ ઇનોવેટર તરીકે ઉભરી શકશે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
