તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
નવસારીમાં સી.આર. પાટીલની ગર્જના: વિજેતા ઉમેદવારોને કાર્યકર્તાઓનો આદર કરવાની 'શિખામણ' અને બાગીઓને ખુલ્લી 'ચેતવણી'
કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભવ્ય બાઈક રેલી સાથે વિજેતાનો અભિવાદન સમારોહ; હારેલા ઉમેદવારોની જવાબદારી સ્વીકારી અનંત પટેલ પર સાધ્યું નિશાન

નવસારી,: નવસારીમાં આજે ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી, જેમાં કાર્યકર્તાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, માત્ર વિજયના ઉત્સવ સુધી મર્યાદિત ન રહેતા સી.આર. પાટીલે મંચ પરથી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાના નશામાં ન ચૂર થવા અને પાયાના કાર્યકર્તાઓનું સન્માન જાળવવા કડક શબ્દોમાં ટકોર કરી હતી.
"લોકો વચ્ચે જઈ કામ કરો, કાર્યકર્તાઓને ન ભૂલતા"
સી.આર. પાટીલે નવા ઉમેદવારોને સ્પષ્ટ શીખ આપી હતી કે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે સતત લોકોની વચ્ચે રહીને કામ કરવું પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે કાર્યકર્તાઓના લોહી-પરસેવાથી આ જીત મળી છે, તેમનો ક્યારેય અનાદર ન થવો જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે જનતા અને કાર્યકર્તા સર્વોપરી હોવા જોઈએ તેવી શિસ્તબદ્ધ સલાહ તેમણે આપી હતી.
બાગીઓને ચેતવણી અને હારની જવાબદારી
સમારોહમાં પાટીલનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જેમાં તેમણે જે બેઠકો પર પક્ષની હાર થઈ છે તેની નૈતિક જવાબદારી પોતાની ગણાવી હતી. સાથે જ, પક્ષની અંદર રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાગી તત્વોને તેમણે આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું હતું કે શિસ્તભંગ કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં. પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે આગામી સમયમાં કડક વલણ અપનાવવાના સંકેત પણ તેમણે આપ્યા હતા.
અનંત પટેલ પર આકરા પ્રહાર
રાજકીય નિશાન સાધતા સી.આર. પાટીલે ધારાસભ્ય અનંત પટેલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પ્રદેશના વિકાસ અને રાજકીય મુદ્દાઓને લઈને વિરોધ પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ નવસારી ભાજપ માટે માત્ર વિજયાદશમી જેવો ઉત્સવ જ નહીં, પરંતુ આગામી મિશન માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થયો છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
