News of Sunday, 10th May 2026
દેડિયાપાડામાં ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠરાવી 22 માસની સજા અને દંડ ફટકાર્યો
વેપારીઓ, બેંકો તથા સામાન્ય લોકોના નાણાં સંબંધિત વિશ્વાસ જળવાઈ રહે તે દિશામાં આ ચુકાદો નોંધપાત્ર ગ

(ભરત શાહ દ્વારા )નર્મદા :ડેડીયાપાડા સિનિયર સિવિલ જજે કોર્ટ ખાતે સિનિયર સિવિલ જજ ભાવીનકુમાર જિતેન્દ્રરાય પંડ્યાની અદાલતે ચેક રિટર્ન સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં આરોપીને દોષિત ઠરાવી કડક સજા ફટકારતા નોંધપાત્ર ચુકાદો આપ્યો છે.
આ કેસમાં હેમાક્ષી સેલ્સ એજન્સીના પ્રોપરાઈટર રાજેન્દ્રસિંહ વાઘસિંહ પુરોહિત વિરુદ્ધ ક્રિમિનલ કેસ નં. 30/CC No.1505/2023 હેઠળ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કેસ દરમિયાન ફરિયાદી પક્ષ દ્વારા રજૂ થયેલા દસ્તાવેજો, ચેક અને અન્ય પુરાવાઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠરાવ્યો હતો. આ કેસમાં પંજાબ નેશનલ બેંક તરફથી તે સમયના મેનેજર ગૌરાંગભાઈ પટેલ તથા બાદમાં વિજયભાઈ પટેલ દ્વારા ફરિયાદ આગળ ધપાવવામાં આવી હતી. ફરિયાદી પક્ષ તરફે વકીલ તરીકે સંધ્યાબેન રાઠોડ હાજર રહ્યા હતા જ્યારે આરોપી પક્ષ તરફથી રાજપીપળાના વકીલ જે. કે. પંડ્યા દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.
અદાલતે આરોપીને બાવીસ (22) માસની સાદી કેદ તથા રૂા.20,68,000/- નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ન ભરાય તો વધુ બે માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. સાથે ફરિયાદીને ચેકની મૂળ રકમ તથા 9% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આજના સમયમાં ચેક વેપારિક વિશ્વાસનું મહત્વપૂર્ણ સાધન છે અને આવા ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા હોવાથી કડક સજા જરૂરી બની છે. આર્થિક વ્યવહારોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે કાયદાનો કડક અમલ જરૂરી હોવાનું પણ અદાલતે અવલોકન કર્યું હતું.
સ્થાનિક સ્તરે આ ચુકાદાને વેપારીઓ અને આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. વેપારીઓ, બેંકો તથા સામાન્ય લોકોના નાણાં સંબંધિત વિશ્વાસ જળવાઈ રહે તે દિશામાં આ ચુકાદો નોંધપાત્ર ગણાઈ રહ્યો છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
