News of Thursday, 29th October 2026
બહુચરાજી મંદિરમાં ૬ મહિના બાદ શરૂ થઈ દાનની ગણતરી
CCTV કેમેરાના સર્વેલન્સમાં ૧૦ દિવસ સુધી ચાલશે કાઉન્ટિંગ

બહુચરાજી તા.૨૯: ઉત્તર ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ગોલકમાં આવતા દાનની ગણતરી ૬ મહિના બાદ ગઈ કાલથી શરૂ થઈ છે. ઉચ્ચ અધિકારીઓ અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાના સર્વેલન્સમાં ૨૦થી વધુ કર્મચારીઓએ દાનમાં આવતી રકમની ગણતરી શરૂ કરી છે જે ૧૦ દિવસ સુધી ચાલશે.
બહુચરાજી મંદિરના નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરે કહ્યું હતું કે ‘મંદિરમાં આવતા દાનની રકમની ગણતરી શરૂ કરી છે. ૬ મહિનાથી આ ગણતરી બાકી હતી જે શરૂ કરી છે. એક નાયબ કલેક્ટર, બે નાયબ મામલતદાર, ૩ રેવન્યુ તલાટી અને મંદિરનો ૨૦ જણનો સ્ટાફ ગણતરી માટે બેઠો છે. CCTVની દેખરેખ હેઠળ આ ગણતરી શરૂ થઈ છે. સવારે ૧૦ વાગ્યે ચાલુ કરીને સાંજે ૬ વાગ્યા સુધી દાનના રકમની ગણતરી ચાલશે. મંદિરમાં બેન્કનો સ્ટાફ પણ હાજર રહેશે જેથી દિવસ દરમ્યાન જેટલી રકમની ગણતરી થશે એટલી રકમ બેન્કના કર્મચારી જમા લઈ લેશે.'
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના બહુચરાજીમાં આવેલું બહુચરાજી માતાજીનું મંદિર માઈભક્તોમાં આસ્થાનું સ્થાનક છે. અહીં બાળકોની બાબરી ઊતરાવવા માટેનું ખાસ મહત્ત્વ છે. અગણિત લોકો પોતાનાં બાળકોની બાબરી અહીં ઉતારીને બહુચરાજી માતાના આશીર્વાદ મેળવે છે. વર્ષ દરમ્યાન નવરાત્રિ સહિતના પ્રસંગોએ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન માટે શ્રદ્ધાપૂર્વક આવીને ધન્યતા અનુભવે છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
