તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
જનગણના 2027નું કાઉન્ટડાઉન શરૂ : ગુજરાતમાં 1 જૂનથી 'ઘરયાદી અને મકાનોની ગણતરી'નો પ્રથમ તબક્કો હાથ ધરાશે : સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થશે
આઝાદી પછીની 8મી વસ્તી ગણતરીમાં નાગરિકોને પ્રથમવાર મળશે 'સ્વ-ગણતરી'નો વિકલ્પ : વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આપી વિગતો

ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા આગામી વસ્તી ગણતરીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે, જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. અગાઉ 2011માં થયેલી ગણતરી બાદ હવે આ વખતે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ ભગીરથ કાર્ય માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
બે તબક્કામાં વહેંચાયેલી કામગીરી
‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનારી આ કામગીરી મુખ્ય બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન થશે. આ ગાળામાં આવાસની સ્થિતિ, કુટુંબની વિગત અને પાયાની સુવિધાઓ સહિત કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' (PE) તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવશે.
ડિજિટલ એપ અને સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા
આ વખતે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં ડેટા એકત્રિત થશે. નાગરિકો માટે પ્રથમવાર 'સ્વ-ગણતરી' (Self-Enumeration) નો વિકલ્પ અપાયો છે. ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. આ પ્રક્રિયા બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. આ પદ્ધતિથી ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે અને ડેટા સંગ્રહની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
ડેટા સુરક્ષા અને કાયદાકીય જોગવાઈ
નિયામકે ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા કહ્યું હતું કે, જનગણના અધિનિયમ, 1948 હેઠળ એકત્રિત કરાયેલી તમામ માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુ માટે થઈ શકશે નહીં. જોકે, દરેક નાગરિક સાચી માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને ગામડાઓમાં 1.10 લાખથી વધુ બ્લોક્સમાં ગણતરીદારો અને સુપરવાઇઝરો તૈનાત રહેશે. કોઈપણ મૂંઝવણ માટે જનતા ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
