News of Monday, 9th November 2026
ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અજગર ભરડો:છેલ્લા એક વર્ષમાં ૧૫૨ સરકારી કર્મચારીઓ રૂ. ૧૩ કરોડની લાંચ લેતા ઝડપાયા
સામાન્ય પ્રજાના કામો માટે હવે સરકારી કચેરીઓમાં વિનામૂલ્યે કામ થવું મુશ્કેલ: એસીબી (ACB) ના ચોંકાવનારા આંકડા

અમદાવાદ :સરકારી કચેરીઓ અને વહીવટી તંત્રમાં કાગળ પર ભ્રષ્ટાચાર વિરોધી દાવાઓ થતા રહે છે, પરંતુ ચિત્ર અત્યંત ચિંતાજનક છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના તાજેતરના ચોંકાવનારા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા માત્ર એક જ વર્ષમાં કુલ ૧૫૨ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ તમામ લાંચિયા બાબુઓ દ્વારા પ્રજાના હક્કના કામો કરાવવા બદલ કુલ રૂ. ૧૩ કરોડ જેટલી માતબર રકમ લાંચ પેટે વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
એસીબી દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ભ્રષ્ટાચારના આ કેસોમાં સૌથી મોટો હિસ્સો ગૃહ વિભાગનો રહ્યો છે. ગૃહ વિભાગના ૨૯ જેટલા કર્મચારીઓએ એકલાએ જ કુલ રૂ. ૨.૬૪ કરોડની લાંચ લીધી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૧૬ કર્મચારીઓ પણ આ ખેલમાં સંડોવાયેલા પકડાયા છે, જેમણે કુલ રૂ. ૨ કરોડની લાંચ લીધી હતી.
માત્ર આ બે વિભાગો જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મહત્ત્વના વિભાગોમાં પણ લાંચના મૂળિયાં કેટલા ઊંડા છે તેનો અંદાજ નીચે મુજબના આંકડા પરથી લગાવી શકાય છે:
મહેસૂલ વિભાગ: ૨૩ સરકારી કર્મચારીઓ અને ૧૮ ખાનગી વ્યક્તિઓ સહિત કુલ ૪૧ લોકો રૂ. ૧ કરોડની લાંચ લેતા પકડાયા.
પંચાયત, આરોગ્ય અને શિક્ષણ વિભાગ: આ વિભાગોમાં પણ અનેક કર્મચારીઓ અને વચેટિયાઓ સામાન્ય પ્રજા અને અરજદારો પાસેથી નાણાં પડાવતા એસીબીની જાળમાં ફસાયા છે.
આ સિવાય ઊર્જા, ઉદ્યોગ, કૃષિ, નર્મદા, નાણાં વિભાગ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ લાંચ લેવાના ગુનામાં અંકિત થયા છે.
સામાન્ય નાગરિકોમાં એવી ચર્ચા જગજાહેર બની ગઈ છે કે સરકારી પગાર પૂરતો સંતોષ ન માનતા કેટલાક બેફિકર અધિકારીઓ અને કર્મચારીઓ સામાન્ય પ્રમાણિક નાગરિકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. કોઈપણ નાનું કે મોટું સરકારી કામકાજ કરાવવું હોય તો ટેબલ-ટુ-ટેબલ વહીવટ કર્યા વગર ફાઈલ આગળ જતી નથી. જોકે, એસીબી દ્વારા સમયાંતરે છટકા ગોઠવીને આવા ભ્રષ્ટ તત્વોને પકડવામાં આવે છે, પરંતુ જેઓ પકડાયા નથી તેમનું પ્રમાણ ઘણું મોટું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રજાએ પોતાના જ કામ માટે લાંચ આપવી પડે તેવી આ સ્થિતિ લોકશાહી વ્યવસ્થા સામે મોટો સવાલ ઊભો કરે છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
