News of Sunday, 21st June 2026
NEET પરીક્ષામાં ડ્રેસ કોડ મુદ્દે અમદાવાદમાં વિવાદ: હિંદુ પરીક્ષાર્થીઓને દોરા-કંઠી ઉતારવા મજબૂર કરતા હોબાળો
એક તરફ હિજાબ સાથે પ્રવેશ અને બીજી તરફ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ: વાલીઓએ પરીક્ષા કેન્દ્ર પર ભેદભાવપૂર્ણ વ્યવસ્થાનો આરોપ લગાવી કરી નિષ્પક્ષ તપાસની માંગ.

અમદાવાદ:રવિવારે અમદાવાદની આર.જે. ટેબરીવાલ સ્કૂલ ખાતે આયોજિત RE-NEET પરીક્ષા દરમિયાન ડ્રેસ કોડના અમલીકરણને લઈને ભારે હોબાળો સર્જાયો હતો. પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા હિંદુ પરીક્ષાર્થીઓને ગળામાં પહેરેલી કંઠી અને હાથમાં બાંધેલા દોરા ઉતારવા માટે ફરજ પાડવામાં આવતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે એક તરફ હિંદુ વિદ્યાર્થીઓના ધાર્મિક પ્રતીકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું, જ્યારે બીજી તરફ મુસ્લિમ ઉમેદવારોને હિજાબ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની છૂટ આપીને સ્પષ્ટ ભેદભાવ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રિત થઈ ગયા હતા અને તંત્રની બેવડી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓનો પ્રશ્ન હતો કે જો પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે નિયમો હોય, તો તે તમામ સમુદાયો માટે એકસમાન કેમ નથી? તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે પણ પરીક્ષા પ્રક્રિયા તો ચાલુ રહી હતી, પરંતુ કેન્દ્રની બહાર ઉપસ્થિત વાલીઓએ તંત્રની આ કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.
પરીક્ષા દરમિયાન સુરક્ષા અને પારદર્શિતાના નામે વારંવાર બદલાતા નિયમો વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. અગાઉ પણ પેપર લીક જેવી ઘટનાઓ બાદ વિદ્યાર્થીઓ પહેલેથી જ દબાણ હેઠળ છે, તેમાં ડ્રેસ કોડ જેવા સંવેદનશીલ મુદ્દાઓએ પરીક્ષા વ્યવસ્થાપનની નિષ્ફળતા છતી કરી દીધી છે. વાલીઓનું સ્પષ્ટ માનવું છે કે પરીક્ષાના નિયમોમાં સમાનતા હોવી જોઈએ અને કોઈપણ વિદ્યાર્થીને પોતાની ધાર્મિક આસ્થાને કારણે માનસિક ત્રાસ ન મળવો જોઈએ.
હવે આ મામલો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે પરીક્ષા તંત્ર કે શિક્ષણ વિભાગ આ અંગે શું ખુલાસો કરે છે. શું આ મામલે કોઈ તપાસ સમિતિની રચના થશે કે પછી ડ્રેસ કોડ પ્રોટોકોલને વધુ સ્પષ્ટ કરવામાં આવશે? વાલીઓ હવે આ સમગ્ર પ્રકરણમાં જવાબદેહી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સખત પગલાંની રાહ જોઈ રહ્યા છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
