<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વિવાદસ્પદ નિવેદનો તે હતાશાનું પરિણામ:રાહુલ ગાંધીએ સાયકિયાટ્રિસ્ટને બતાવવું જોઈએ: ભાજપનો પલટવાર

ગાંધીનગરથી ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું કે, દેશમાં 100 કરતાં વધારે ચૂંટણીઓ હાર્યા પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષમાં ભારે હતાશા અને નિરાશા દેખાઈ રહી છે,

ગાંધીનગર :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નિવેદન પર ભાજપ દ્વારા અત્યંત આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, દેશમાં 100 કરતાં પણ વધારે ચૂંટણીઓ હાર્યા પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષમાં ભારે હતાશા અને નિરાશા દેખાઈ રહી છે, અને આ વિવાદસ્પદ નિવેદનો તે હતાશાનું જ પરિણામ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક લોકપ્રિયતા અને ગૃહમંત્રીની સચોટ રણનીતિ સામે કોંગ્રેસ વારંવાર પછડાટ ખાઈ રહી હોવાથી તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે.

 

ગુજરાત ભાજપના પ્રવક્તા ડો.અનિલ પટેલે આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીએ વાસ્તવમાં કોઈ સારા મનોચિકિત્સક પાસે જઈને સારવાર કરાવવી જોઈએ. અગાઉ પણ આવા જ વિવાદસ્પદ નિવેદનો બદલ તેમની સામે દેશની વિવિધ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે અને તેઓ આજે પણ જામીન પર બહાર છે. રાહુલ ગાંધી અને વિપક્ષ દેશની થઈ રહેલી આર્થિક પ્રગતિ અને પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી પ્રતિષ્ઠાને સહન કરી શકતા નથી. વડાપ્રધાનનું વારંવાર અપમાન કરવું એ માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ દેશની 140 કરોડ જનતાના મેન્ડેટનું અપમાન છે.

 

અનિલ પટેલે ગાંધી પરિવાર પર સીધો પ્રહાર કરતા ઉમેર્યું કે, રાહુલ ગાંધીના આવા અણછાજતા વર્તનથી કદાચ તેમના માતા સોનિયા ગાંધી પણ દુઃખી હશે. પરંતુ આ એ જ સોનિયા ગાંધી છે જેમણે અગાઉ નરેન્દ્રભાઈ  મોદી માટે 'મોતના સોદાગર' જેવા શબ્દો વાપર્યા હતા, એટલે પ્રશ્ન એ થાય કે શું આ કોઈ 'મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ' છે? કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અગાઉ પીએમ મોદી માટે અપમાનજનક શબ્દો કહી ચૂક્યા છે. ભાજપે દાવો કર્યો છે કે, જેમ-જેમ ચૂંટણીઓ નજીક આવશે તેમ-તેમ રાહુલ ગાંધીના આવા પાગલપન અને બેજવાબદાર નિવેદનોની માત્રા હજુ વધવાની શક્યતા છે.

(7:16 PM IST)