<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ રૂ.123 કરોડના 'નલ સે જલ ' કૌભાંડ કેસમાં લુણાવાડાથી વધુ બે કોન્ટ્રાકટરની ધરપકડ

ચકચારી કૌભાંડમાં સરકારી કર્મચારીઓ, પાણી સમિતિના સભ્યો અને 111 જેટલા કોન્ટ્રાક્ટરો મળીને કુલ 167 લોકો સામે પોલીસ ફરિયાદ :અત્યાર સુધીમાં 42 આરોપીની ધરપકડ કરાઈ

મહીસાગર જિલ્લામાં ભારે ચર્ચા જગાવનાર રૂા. 123 કરોડના 'નલ સે જલ' યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ (CID Crime) બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. લુણાવાડા ખાતેથી વધુ બે રીઢા કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસના સકંજામાં આવેલા આ બંને કોન્ટ્રાક્ટરોએ સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હિતેશ પટેલે કોઈ પણ કામ કર્યા વિના જ રૂા. 74,18,818 ની રકમ સરકાવી લીધી. જ્યારે કિશન ગોહિલે યોજના અંતર્ગત કામ બતાવ્યા વગર જ રૂા. 97,78,866 સેરવી લીધા. 

 

આ મહાકૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મહીસાગર જિલ્લાના કુલ 740 ગામોમાંથી 620 ગામોમાં કોન્ટ્રાક્ટરોએ ધારાધોરણ મુજબ કામ જ કર્યું ન હતું. પાણી પહોંચાડવાના નામે અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાના બિલો પાસ કરાવી લેવાયા હતા.

 

આ ચકચારી કૌભાંડમાં સરકારી કર્મચારીઓ, પાણી સમિતિના સભ્યો અને 111 જેટલા કોન્ટ્રાક્ટરો મળીને કુલ 167 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 42 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, અને હજુ પણ અન્ય મોટા માથાઓ સામે તપાસનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.

(1:07 PM IST)