તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ગ્રાહક અદાલતો ભગવાન ભરોસેઃ ૨૭ કમિશનમાં પ્રમુખ જ નથીઃ હજારો કેસો અટવાયા
કમિશનોમાં ૪૮ જગ્યાઓ અને સપોર્ટ સ્ટાફની ૧૫૨ જગ્યાઓ ખાલી પડી છેઃ સ્ટાફની અછતને કારણે ફરિયાદ નિવારણ પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ : જાન્યુઆરી ૧૯૯૦થી જિલ્લા કમિશનોમાં દાખલ કરાયેલી ૩.૨૨ લાખ ફરિયાદોમાંથી ૪૫,૧૬૭ કેસો હજુ પણ પેન્ડિંગ છેઃ રાજ્ય સ્તરે ૪૩,૨૪૧ અપીલો અને ફરિયાદોમાંથી ૫૮૪૭ કેસો વણઉકલ્યા

અમદાવાદ,તા.૨: ગુજરાત ગ્રાહક અદાલતોને લઈ ચોંકાવનારી વિગત સામે આવી છે. આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ ૨૭ ગ્રાહક કમિશનો પ્રમુખ વગર ચાલી રહ્યા છે. આ ઉપરાંત કમિશનોમાં ૪૮ જગ્યાઓ અને સપોર્ટ સ્ટાફની ૧૫૨ જગ્યાઓ ખાલી પડી છે. એનજીઓ ઓલ ઈન્ડિયા કન્ઝયુમર પ્રોટેક્સન એન્ડ એકશન કમિટી દ્વારા RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં આ વિગત સામે આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ખાલી જગ્યાઓ ભરવામાં થઈ રહેલા વિલંબને કારણે પેન્ડિંગ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે અને લાંબી મુદતો પડી રહી છે, જેના લીધે અંતે તો ગ્રાહકોએ જ ભોગવવું પડી રહ્યું છે. સ્ટાફની અછતને કારણે ફરિયાદ નિવારણ પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ છે. જાન્યુઆરી ૧૯૯૦થી જિલ્લા કમિશનોમાં દાખલ કરાયેલી ૩.૨૨ લાખ ફરિયાદોમાંથી ૪૫,૧૬૭ કેસો હજુ પણ પેન્ડિંગ છે. રાજ્ય સ્તરે ૪૩,૨૪૧ અપીલો અને ફરિયાદોમાંથી ૫૮૪૭ કેસો વણઉકલ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો, તેના ત્રણ ગ્રાહક કમિશનોમાં જ ૧૧,૮૦૬ કેસો પેન્ડિંગ છે.
આરટીઆઈના જવાબમાં વિભાગે સુપ્રીમ કોર્ટના ૨૧ મે, ૨૦૨૫ના એક આદેશનો હવાલો આપ્યો હતો. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર મહિનામાં નિમણૂકના નિયમોમાં સુધારો કરવા અને રાજ્ય સરકારોને તે સુધારાના ચાર મહિનાની અંદર નિમણૂકો પૂરી કરવા આદેશ આપ્યો હતો. વિભાગે જણાવ્યું હતું કે તેઓ આ નિમણૂકો કરવાની ગણતરી ધરાવે છે.
સૂત્રોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી હોવા છતાં, એક વર્ષ પછી પણ આ જગ્યાઓ ખાલી જ છે અને ઇન-ચાર્જ પ્રમુખો દ્વારા કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. મંજૂર થયેલી આ જગ્યાઓ ખાલી રાખવાને કારણે અરજદારોની મુશ્કેલીઓ માત્ર વધી રહી છે
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
