News of Thursday, 10th September 2026
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના ઉગ્ર દેખાવો : લઠ્ઠાકાંડના મુદ્દે બેનર્સ અને સ્લોગન સાથે ભારે હોબાળો
પ્રમુખ અમિત ચાવડાએ સરકાર અને ગૃહમંત્રી સામે આક્રોશ વ્યક્ત કરી 'ઉડતા ગુજરાત'નો આરોપ લગાવ્યો : પોલીસે ઝપાઝપી કરી ધારાસભ્યો પાસેથી પોસ્ટરો આંચકી લીધા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે આજે ગૃહની કામગીરી શરૂ થાય તે પૂર્વે જ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં ભાજપ સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર અને ગૃહમંત્રી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, વર્તમાન શાસનમાં બુટલેગરો અને અસામાજિક તત્વો સંપૂર્ણપણે બેફામ બન્યા છે. રાજ્ય સરકાર કે ગૃહમંત્રીનું કોઈ જ પ્રશાસનિક નિયંત્રણ ન હોવાના કારણે આજે સમગ્ર રાજ્ય 'ઉડતા ગુજરાત' બની ગયું હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવવા માટે મોટા પોસ્ટરો પહેરીને અનોખું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત વિવિધ બેનર્સ અને સ્લોગન સાથે ધારાસભ્યોએ "ભાજપ સરકાર શરમ કરો... શરમ કરો..." ના ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ પરિસ્થિતિ દરમિયાન સ્થળ પર તૈનાત પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ભારે ઝપાઝપી અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં પોલીસે ધારાસભ્યો પાસેથી વિરોધ દર્શાવતા પોસ્ટરો છીનવી લીધા હતા.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
