News of Saturday, 18th April 2026
કોંગ્રેસનો રાજકીય આલમમાં ખળભળાટ:સુરત જિલ્લા કોંગ્રેસનો મોટો નિર્ણય : પક્ષ સાથે દગાખોરી કરનારા ઉમેદવારો આજીવન બરતરફ
પક્ષે જેમના પર ભરોસો મૂક્યો તેવા ઉમેદવારોએ લોભ-લાલચ કે દબાણને વશ થઈને ફોર્મ ખેંચી પક્ષ અને નિષ્ઠાવાન કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. આ એક અક્ષમ્ય અપરાધ હોવાથી તેમની સામે કોઈ પણ સુનાવણી કર્યા વગર જ કડક કાર્યવાહી

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિકૃત મેન્ડેટ આપ્યા હોવા છતાં છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેનારા ઉમેદવારો સામે સુરત જિલ્લા કોંગ્રેસે લાલ આંખ કરી છે. જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને વિશ્વાસઘાત કરવા બદલ તમામ જવાબદાર ઉમેદવારોને પક્ષમાંથી આજીવન બરતરફ કરવાની જાહેરાત કરી છે.
આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, પક્ષે જેમના પર ભરોસો મૂક્યો હતો તેવા ઉમેદવારોએ લોભ-લાલચ કે દબાણને વશ થઈને ફોર્મ ખેંચી પક્ષ અને નિષ્ઠાવાન કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. આ એક અક્ષમ્ય અપરાધ હોવાથી તેમની સામે કોઈ પણ સુનાવણી કર્યા વગર જ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત જિલ્લા પ્રમુખે આ કાર્યવાહીની સત્તાવાર નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને શિસ્ત સમિતિના અધ્યક્ષ બાલુભાઈ પટેલને મોકલી આપી છે. કોંગ્રેસના આ કડક વલણને કારણે રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
તાલુકા પંચાયત બેઠકો: પલસાણા તાલુકાની ૨-અંત્રોલી બેઠક પરથી ધર્મિષ્ઠાબેન વિજયભાઈ રાઠોડ, ૪-બલેશ્વર-૧ બેઠક પરથી આસિયાબેન ફેસલભાઈ માકડા, ૧૧-પલસાણા-૧ બેઠક પરથી ઉષાબેન ભીખાભાઈ રાઠોડ અને ૧૨-પલસાણા-૨ બેઠક પરથી પ્રિયાબેન પરેશભાઈ માહ્યાવંશીને બરતરફ કરાયા છે. માંગરોળ તાલુકાની ૧૮-મોસાલી બેઠક પરથી ગૌતમીબેન વિશાલભાઈ વસાવા અને બારડોલીની ૮-કડોદ-૨ બેઠક પરથી હેતલબેન અનિલભાઈ ચૌધરી સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતમાંથી ઉષાબેન રાઠોડ (અરિયાણા), આરીફ સોયેબભાઈ મુલ્લા (કિમ-૧), અશોકભાઈ પટેલ (કુડસદ), અને ઈલેશભાઈ ગામિત સહિત ૨૧ ઉમેદવારોને બહારનો રસ્તો બતાવી દેવાયો છે. કામરેજ તાલુકામાંથી અમીષાબેન પ્રજાપતિ (ડુંગરા), તેજસ સોલંકી (સેવણી), દિનેશભાઈ રાઠોડ (શામપુરા), ગુણવંતભાઈ રાઠોડ (ઉંભેળ) અને કિરીટભાઈ માહ્યાવંશી (વાવ) નો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયત બેઠકો: જિલ્લા પંચાયતની બેઠકો પરથી કામરેજની નવાગામ બેઠકના ઉમેદવાર પ્રીતિબેન વિપુલભાઈ પટેલ, માંગરોળની ઉંભેળ બેઠક પરથી ખાલપભાઈ ધુલજીભાઈ ગામિત, કોસંબા બેઠક પરથી સુશીલાબેન સુરેશભાઈ વસાવા અને પલસાણા બેઠક પરથી હેમંતભાઈ ડાહ્યાભાઈ પટેલને આજીવન બરતરફ કરાયા છે. આજીવન બરતરફ કરાયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
નગરપાલિકા બેઠકો : નગરપાલિકાના ઉમેદવારોમાં તરસાડીમાંથી શૈલેષભાઈ પરમાર, દિગ્વિજયસિંહ મહિડા અને પીંકેશકુમાર કટારિયા; બારડોલીમાંથી પરેશકુમાર સિંહલ, ધીરુભાઈ પટેલ અને શિવાંગીબેન સિંહલ; તેમજ કડોદરામાંથી અરવિંદભાઈ ખોડુભાઈ ભોંય સામે પક્ષે શિસ્તભંગના પગલાં ભર્યા છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
