તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
નીટ પેપર લીક અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસનું અમદાવાદમાં વિરોધ પ્રદર્શન: ગૃહમંત્રીના રાજીનામાની માંગ
ગુજરાત કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગુંજ રેલીમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા:નીટ પેપર લીક અને શિક્ષણમાં વ્યાપારીકરણના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા રેલી અને ધરણાનું આયોજન

અમદાવાદ: નીટ પેપર લીક વિવાદ અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ-યુવાનો પર થયેલા લાઠીચાર્જના મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે. આ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસે અમદાવાદમાં જોરદાર વિરોધ પ્રદર્શન યોજ્યું. ‘છાત્રો કી ગુંજ’ નામે આયોજિત આ રેલીમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રેલી દરમિયાન ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના રાજીનામાની પણ જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી.
નેહરુ બ્રિજથી શરૂ થયેલી આ વિરોધ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સરદાર બાગ પહોંચી હતી. સમગ્ર માર્ગ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમાયેલી રમતનો આરોપ લગાવતા કોંગ્રેસે કેન્દ્ર સરકારને સીધા નિશાન પર લીધી હતી.
કોંગ્રેસનું કહેવું છે કે નીટ પેપર લીક માત્ર પરીક્ષા સંબંધિત ગેરરીતિ નથી, પરંતુ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના વિશ્વાસ પર થયેલો પ્રહાર છે. શિક્ષણ પ્રણાલીમાં વધતા ભ્રષ્ટાચાર અને વ્યાપારીકરણને કારણે યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે. આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
રેલી દરમિયાન દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે પોતાના હક્ક માટે અવાજ ઉઠાવનારા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવો લોકશાહી માટે ચિંતાજનક છે. વિદ્યાર્થીઓ અને યુવાનો પર નોંધાયેલી FIR પાછી ખેંચવાની પણ માંગ કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક પ્રકારના બેનરો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. “ટીયર ગેસ નહીં ચલેગી, AK-47 નહીં ચલેગી”, “વિદ્યાર્થીઓને ન્યાય આપો”, “યુવાનો પર ખોટા કેસ બંધ કરો” જેવા સૂત્રો સાથે કાર્યકર્તાઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપ વિરોધી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
વિશેષ વાત એ રહી કે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલયથી આશરે 100 મીટરના અંતરે યોજાયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સરદાર બાગ ખાતે ધરણા પર બેસ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
NEET પેપર લીકના મુદ્દે દેશભરમાં રાજકીય ઘમાસાણ વચ્ચે અમદાવાદનું આ વિરોધ પ્રદર્શન પણ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક તરફ કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે, બીજી તરફ હવે સરકાર અને ભાજપ આ આક્ષેપોનો કેવી રીતે જવાબ આપે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
